પટેલને હાથ બાંધી ઉંધો સુવડાવીને બ્લેડના અસંખ્ય ઘા માર્યા, યુવાનનો રડતો-તડપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
આજકાલ લોકોને વિદેશ જવાનું ઘણુ ઘેલુ લાગ્યુ છે. કેટલાક લોકો તો ગેરકાયદે પણ વિદેશ જઇ કમાણી કરવા માગતા હોય છે. જો કે, ઘણીવાર ગેરકાયદેસર રીતે વિદેશમાં ઘૂસતા લોકોના પકડાવાના અથવા તો મોતને ભેટવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે હાલમાં ગેરકાયદે અમેરિકા જવા ઈચ્છતા લોકો માટે એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નરોડાના પટેલ દંપત્તિનુ અમેરિકા પહોંચતા પહેલા જ અપહરણ થઈ ગયુ હોવાનો કિસ્સો સામે આવ્યો.
આ મામલે પંકજ પટેલના ભાઈ સંકેત પટેલ અને ભાભીએ અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં કહેવાયુ છે કે, તેમના ભાઈ-ભાભીએ ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ સાથે ગેરકાયદે અમેરિકા જવાનો સોદો રૂ.1.15 કરોડમાં નક્કી કર્યો હતો. એજન્ટે કહ્યું હતું કે તેમના ભાઈ ભાભીને પહેલા હૈદરાબાદ અને પછી ત્યાંથી બીજો એજન્ટ વાયા, દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે. પણ અમેરિકા પહોંચતા પહેલા જ ફરિયાદીના ભાઈ-ભાભીનુ ઈરાનમાં અપહરણ થયાની આશંકા છે.
પંકજ પટેલ કે જેમનું અપહરણ થયુ છે તેમની એક વીડિયો ક્લિપ પરિવારને મોકલાઇ જેમાં તેમના પર ત્રાસ ગુજારતા વીડિયોની ક્લિપ અને મેસેજ હતો. શરૂઆતમાં પંકજ પટેલ અને તેમના પત્ની કોઈ હોટલના સ્વીમિંગ પૂલની નજીક ઉભા છે અને અમેરિકા જઈ રહ્યા હોવાનુ જણાવે છે. જો કે, બીજા વીડિયોમાં પકંજ પટેલને બાથરૂમમાં ઉંધો સુવડાવીને પીઠ પર બ્લેડ વડે ઘા મારવામાં આવે છે.
પરિવારને મોકલાયેલ ક્લિપમાં પંકજ પટેલ રડતા રડતા હિન્દીમાં કહે છે કે, જલ્દીથી પૈસા મોકલી આપો નહીંતર આ લોકો મને મારી નાંખશે. જો કે, આ પછી જેણે પંકજ પટેલનું અપહરણ કર્યુ છે, તે પંકજને ચુપ કહેવાનુ કહે છે અને પોતે હિન્દીમાં મેસેજ આપે છે કે પૈસા નહીં ડાલો ગે તો ખુદા કી કસમ હમ ઈસકે ગુર્દાક નિકાલ કર બેચ દેંગે, પૈસા ડાલો આગે આપકી મરજી. જો કે, આ મામલે પોલીસે ગંભીરતા લઈને પટેલ દંપતિને કઈ રીતે બચાવી શકાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે.