એક તરફ આ મહામારીમાં લોકો માનવતા ભૂલી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં આ વેક્સિન ચોરે જીતી લીધું દિલ

કોરોનાના વધતા મામલાઓ જોતા હાલ ઘણી જગ્યાએ માનવતાને શર્મસાર કરતા કિસ્સાઓ જોવા મળે છે. કોરોનામાં કારગર સાબિત થતી રેમડેસિવિર ઈન્જેક્શનની પણ કાળાબજારીના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ હાલમાં એક એવા ચોરનો કિસ્સો સામે આવ્યો છે જેની દરિયાદિલીએ લોકોના દિલ જીતી લીધા છે.

હરિયાણાના જીંદની સિવિલ હોસ્પિટલમાંથી એક હેરાન કરી દેનારો ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. અહીંયા મોડી રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ કોરોના વેક્સિનના ઘણા બધા ડોઝ ચોરી થઇ ગયા. પરંતુ ગુરુવારના રોજ ચોર સિવિલ લાઈન પોલીસ સ્ટેશનની બહાર એક ચા વાળને બધી જ દવાઓ પછી આપી ગયો અને સાથે એક ચિઠ્ઠી પણ મૂકી.

આ ચિઠ્ઠીની અંદર લખ્યું હતું કે “માફ કરજો, મને ખબર નહોતી કે આ કોરોનાની દવા છે.” જીંદ પોલીસના ડીસીપી જીતેન્દ્ર ખટકડ દ્વારા જાણકારી આપવામાં આવી કે આ ચોરે સિવિલ લાઈન પોલીસ સ્ટેશનની બહાર ચાની દુકાન ઉપર બેઠેલા એક વૃદ્ધને એક થેલો આપ્યો અને કહ્યું કે આમાં મુનશીનું જમવાનું છે. થેલો આપવાની સાથે જ ચોર ત્યાંથી ફરાર થઇ ગયો.

વૃદ્ધ તે થેલો લઈને પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો. જયારે ત્યાં હાજર પોલીસકર્મીઓએ થેલો ખોલ્યો તો તેમાંથી કોવીશીલ્ડની 182 વાઇલ અને કોવેક્સિનના 440 ડોઝ મળી આવ્યા. સાથે હાથે લખેલી એક ચિઠ્ઠી પણ તેમને મળી આવી. ડીસીપીએ આગળ જણાવ્યું કે બની શકે છે કે ચોર રેમડેસિવિર ઈન્જેક્શનના ચક્કરમાં કોરોના વેક્સિન ચોરી ગયો હોય. જોકે હજુ સુધી ચોર વિશેની કોઈ જાણકારી પોલીસને નથી મળી. પોલીસે આ સંબંધમાં અજ્ઞાત લોકો વિરુદ્ધ કલમ 457 અને 380 અંતર્ગત મામલો દાખલ કરી લીધો છે. હવે પોલીસ એમ પણ જણાવી રહી છે કે ચોરની ઓળખ વિશેની કેટલીક સાબિતીઓ પણ હાથ લાગી છે.

હવે પ્રશ્ન એ ઉભો થયો છે કે લગભગ 12 કલાક સુધી ફ્રીજમાંથી બહાર રાખવામાં આવેલી કોરોના વેક્સિન અને ડોઝ પ્રયોગ લાયક છે કે નહીં તે વિશે સિવિલ સર્જન મુખ્યાલય પાસેથી ગાઇડલાઇન મંગાવવામાં આવી છે.

Niraj Patel