હે ઈશ્વર..અમરેલીમાં કોરોનાએ માત્ર 6 દિવસમાં જ આખા પરિવારને વેર વિખેર કરી નાખ્યો, 3 સભ્યોના મોતથી પરિવારમાં શોકનો માહોલ

કોરોનાએ સમગ્ર વિશ્વમાં કાળો કહેર વર્તાવ્યો છે. કેટલાય પરિવારોને વેર વિખેર કરી નાખ્યા છે, કેટલાય પરિવારોના વ્હાલસોયા સંતાનો છીનવી લીધા તો ઘણા પરિવારના મોભીઓને છીનવી લીધા છે, હાલ એક એવી જ ખબર અમરેલી જિલ્લાના રાજુલામાંથી આવી રહી છે, જ્યાં પરિવારના 3 સભ્યોને કોરોના ભરખી ગયો અને આખા પરિવારને વેર વિખેર કરી નાખ્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીના રાજુલાની શ્રીજીનગર સોસાયટીમાં રહેતા અને મહેશ ડ્રાયક્લીનીંગ નામે દુકાન ચલાવતા મહેશભાઈ, તેમના પિતા ભૂપતભાઈ અને માતા વિમળાબહેન વીસ દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા હતા. પરિવારના આ ત્રણેય સભ્યોની સારવાર રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી.

રાજુલામાં તાઉ-તે વાવાઝોડાના કારણે વીજળી જવાના કારણે તમામને ભાવનગર સારવાર માટે રિફર કરવામા આવ્યા હતા. અહીં મહેશભાઈ રાઠોડ સ્વસ્થ થયા હતા અને રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. પરંતુ, તેઓ કોરોનાથી એટલા ડરી ગયા હતા કે સારવાર કરી રહેલા ડોકટરને સતત કહી રહ્યા હતા કે, ‘હું નહીં જીવું’. જો કે, ડોકટર્સ સતત હિંમત આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ કોરોનાના ડરના કારણે મહેશભાઈ તેમના મિત્રોને પણ ‘બાય-બાય’ના મેસેજ કર્યો અને મેસેજ કર્યાના બીજા જ દિવસે તેમનું હાર્ટ બેસી જતા મોત નિપજ્યું હતું.

તો 25 મેંના રોજ  પરિવારના જુવાનજોધ દીકરાનું મોત થયાની પિતા ભુપતભાઈને જાણ થતા પુત્રના મોતના આઘાત તે સહન ના કરી શક્ય અને આઘાતમાં તેમનું પણ નિધન થયું. કુદરત જાણે રાઠો઼ડ પરિવારની આકરી કસોટી લઈ રહ્યો હોય તેમ પુત્રના અને પતિના મોતના પાંચ દિવસ બાદ સારવાર લઈ રહેલા માતાએ પણ અનંતની વાટ પકડી.

કરુણતા એ કે, રાઠોડ પરિવારના ત્રણ સભ્યો કોરોનાગ્રસ્ત થયા હતા પણ ત્રણેયમાંથી એકનું પણ કોરોનાના કારણે નહીં પણ કોરોનાના ડર અને પરિવારજનોના મોતના આઘાતના કારણે નિધન થયા. કોરોનાના ડરના કારણે મહેશ રાઠોડનું નિધન થતા તેના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તો પત્નીએ પણ પતિની છત્રછાયા ગુમાવી છે. તો રાઠોડ પરિવારે તો માત્ર 6 દિવસમાં જ ત્રણ ત્રણ પરિવારના સભ્યો ગુમાવવાનું દુઃખ સહન કરવાનો વારો આવ્યો છે.

મૃતક મહેશ રાઠોડ જે સોસાયટીમાં રહેતો હતો તેના જ પાડોશમાં રહેતા શિક્ષક ગોવિંદભાઈ ચાંદોરાએ દિવ્ય ભાસકર સાથેની વાતમાં જણાવ્યું હતું કે,  “મહેશ હંમેશા સમાજ સેવા માટે આગળ રહેતો હતો.ગૌશાળા માટે પણ તે હંમેશા અલગથી રકમ કાઢતો અને સોસાયટીમાં જ્યારે પણ કોઈ કામ પડે ત્યારે તે ખડેપગે હાજર રહેતો હતો.”

(સાભાર: દિવ્ય ભાસ્કર)

Niraj Patel