સાળંગપુર હનુમાનજીની મૂર્તિ મામલે હાલ વિવાદ વકર્યો છે, ત્યારે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે. કારણ કે આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. જેમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરે એ મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. આ મામલે ઘણા સંતોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
સંતોનું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ અયોગ્ય છે. જે ફોટા હનુમાનજીની ભવ્ય મૂર્તિના સામે આવ્યા છે, તેમાં જોઈ શકાય છે કે, હનુમાનજી સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેમ દર્શાવવામાં આવ્યું છે. ત્યારે હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવવામાં આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ મામલે જૂનાગઢના મહંત હરી આનંદ બાપુએ કહ્યું, આ પ્રકારના ચિત્ર અંગે સંત સમાજ આક્રોશમાં છે અને સનાતન ધર્મને ઠેસ પહોંચે એવું કૃત્ય ના કરવું જોઇએ. હરિ આનંદ બાપુ સિવાય જૂનાગઢ રૂદ્રેશ્વર આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુએ કહ્યું, આવા ઢોંગી સાધુ જે ધર્મના માંચડા ખોલીને બેઠા છે, એના કારણે જ અંદરોઅંદરના વિવાદથી વિધર્મીઓને આનંદ થાય છે. એટલે આવા કૃત્ય કરનારને માફી નહીં મળે.
હરી આનંદ બાપુએ વધુમાં કહ્યું કે, સાળંગપુરમાં હનુમાનજીની મોટી મૂર્તિ બેસાડી છે, ત્યાં સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી આ ઘટના નિંદનીય છે. આ મામલે ઈન્દ્રભારતી બાપુએ કહ્યું કે, હનુમાનજી મહારાજની જે મૂર્તિ બેસાડી તેનું આપણે ગૌરવ અનુભવીએ છીએ. પણ જે નીચે ચિત્રો દર્શાવાયા છે, એ વ્યાજબી ન કહેવાય, આ ધર્મ કહેવાય, આ સંપ્રદાયની દાટ વાળવા માટે સાધુ થયા છે કે જે આજે સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચા દેખાડે છે. આના કારણે અમને ઘણું દુઃખ થાય છે.
તેમણે આગળ કહ્યુ કે દર વખતે આવી ભૂલો કરીને પછી માફી માગે. આ બધા વચ્ચે રામ કથાકાર મોરારીબાપુએ પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું, હનુમાનજીને સેવા કરતા બતાવવા એ અયોગ્ય છે. હું બોલ્યો ત્યારે કોઈએ મને સાથ આપ્યો નહોતો. તેમણે સમાજને આ બાબતે જાગૃત થવાની ટકોર પણ કરી. આ ઉપરાંત બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ પણ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યુ- સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી આ ઘટના નિંદનીય છે. તેમણે તો આ મૂર્તિઓ છે હટાવી લેવાની માંગ કરી.