સાળંગપુરના ભીંતચિત્ર મુદ્દે ચાલી રહેલા વિવાદનો આવી ગયો અંત ! ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાતના અંધારામાં ભીંતચિત્રો હટાવી દેવામાં આવ્યા

Controversial murals in Salangpur removed : છેલ્લા ઘણા દિવસથી સાળંગપુરના ભીંતચિત્રોને લઈને વિવાદ ખુબ જ વકર્યો હતો. સમગ્ર ગુજરાતમાંથી સાધુ સંતો અને સામાન્ય લોકો પણ આ ભીંતચિત્રોનો વિરોધ કરી રહ્યા હતા. ત્યારે સનાતન ધર્મના સાધુ મહંતો સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની યોજાયેલી બેઠકમાં કોઠારી સ્વામી દ્વારા આ વિવાદનો 2 દિવસમાં સુખદ અંત લાવવાની પણ બાંહેધરી આપવામાં આવી હતી. ત્યારે હવે આ ભીંતચિત્ર વિવાદનો અંત આવી ગયો છે.

વિવાદિત ચિત્રો થયા દૂર :

હવે સાળંગપુર દર્શને જતા દર્શનાર્થીઓને કિંગ ઓફ સાળંગપુરની વિશાળ પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીંતચિત્રો જેને લઈને વિવાદ સર્જાયો હતો તે હવે જોવા નહીં મળે. કારણે આજે વહેલી સવારે જ સૂર્યોદય પહેલા જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ભીંતચિત્રો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ વિવાદાસ્પદ ચિત્રો દૂર કરીને હવે એ જગ્યા પર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નવા ચિત્રો લગાવવામાં આવ્યા છે. જેના બાદ લાગી રહ્યું છે કે આ વિવાદ હવે શાંત થશે.

રાતના અંધારામાં થઇ કામગીરી :

ગતરોજ સ્વામિનારાયણ સંતો દ્વારા ભીંતચિત્રો હટાવવાની જાહેરાત કર્યા બાદ રાત્રે 12 વાગ્યા પછી જ રાતના અંધારામાં પોલીસ બંદોબસ્ત વચ્ચે બંને વિવાદાસ્પદ ચિત્ર હટાવી દેવામાં આવ્યા, ત્યારે આ નિર્ણય બાદ હવે વક્રી રેલો ભીંતચિત્ર વિવાદ શાંત પડ્યો છે અને સનાતન ધર્મના સંતો દ્વારા પણ સ્વામીનરાયણ સંપ્રદાયના આ નિર્ણયને આવકાર્યો સાથે જ ભક્તોએ પણ આ અંગે ખુશી વ્યક્ત કરી છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા આ વિવાદનો સુખદ અંત લાવવા માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

સરકારે પણ કર્યો હસ્તક્ષેપ :

આ મામલે સરકાર દ્વારા પણ હસ્તક્ષેપ કરવામાં આવ્યો અને ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તથા અન્ય સાધુ સંતો વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં ગણતરીના કલાકોમાં જ વિવાદનો સુખરૂપ હલ આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી , જેનું પરિણામ આજે સવારે જ જોવા મળ્યું અને સૂર્યોદય પહેલા જ બંને વિવાદિત ભીંતચિત્રો દૂર કરીને નવા ચિત્રો લગાવી દેવામાં આવ્યા.

Niraj Patel