અમદાવાદના નરોડામાં રખડતા ઢોરની અડફેટે મોત મામલે આખરે AMCના અધિકારીઓ સામે લેવાઈ ગયું મોટું પગલું

ગુજરાતમાં રખડતા ઢોરોના આતંકના અનેક કિસ્સાઓ સામે આવે છે. જેમાં ઘણીવાર કોઇને પોતાનો જીવ ગુમાવવો પણ વારો આવતો હોય છે. ત્યારે હાલમાં જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો હતો, જેમાં રસ્તે રખડતા ઢોરે એક યુવકને અડફેટે લેતા તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ કેસમાં હવે આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત પશુના માલિક સામે પણ ફરિયાદ નોંધાઇ છે, જે બાદ પોલીસ તપાસમાં લાગી ગઇ છે.

પોલીસે આ મામલે કોર્પોરેશનના અધિકારી સામે સાપરાધ મનુષ્યવધ એટલે કે કલમ 304 હેઠળ ગુનો નોંધ્યો છે. અમદાવાદના નરોડામાં ભાવિન પટેલને રખડતા ઢોરે અડફેટે લીધા બાદ તેને ગંભીર હાલતમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો, જે બાદ સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. આ મામલે પોલીસે AMCના અધિકારી અને ઢોરના માલિક સામે નોંધાયો છે. ભાવિન પટેલને બ્રેઈનમાં મલ્ટીપલ હેમરેજના કારણે તેનું મોત નિપજ્યું હતુ.

આવા કેસમાં પહેલીવાર કોર્પોરેશનના અધિકારી સામે ગુનો નોંધાયો છે અને તે બાદ દોડધામ મચી જવા પામી છે. સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ થયા બાદ હવે પરિવારજનો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માગ કરી રહ્યા છે. અમદાવાદના નવા નરોડામાં રહેતો ભાવિન ગત 29 તારીખના રોજ બાઇક લઈને જઇ રહ્યો હતો ત્યારે રખડતા ઢોરે અડફેટે લેતા તેનો અકસ્માત થયો હતો, જે બાદ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં ગંભીર ઇજા થવાના કારણે મલ્ટીપલ હેમરેજ થયુ હતુ. ડોક્ટરે કહ્યુ કે, બ્રેઇન ડેડ થવાની તૈયારી છે તે બાદ પરિવારજનો ભાવિનને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પરિવારજનોનો એકતરફ આક્રંદ બીજી તરફ દુઃખનો માહોલ હતો. ત્યાં ઘટના સ્થળે તપાસ કરતા ભાવિનને કાળા રંગની ગાયે અડફેટે લીધા હોવાનું સીસીટીવી ફુટેજમાં જણાયું હતું.

Shah Jina