આ માસૂમ બાળકે એક જ સપ્તાહ ગુમાવી માતા-પિતાની છત્રછાયા, જાણો વિગત

માસુમ બાળક અચૂકએ પ્રશ્ન પૂછતો હશે કે હવે મારું કોણ, જાણો સમગ્ર વિગત

કોરોનાનો કહેર સમગ્ર ગુજરાત સહિત ભરૂચમાં પણ યથાવત છે. ત્યારે ભરૂચના કોવિડ સ્મશાનમાં એવા દ્રશ્યો જોવા મળ્યા કે તેનેે જોઇને બધાની આંખમાંથી આંસુ આવી જાય. ભરૂચના એક દસ વર્ષના બાળકે માત્ર એક જ સપ્તાહમાં પોતાના માતા પિતા બંનેની છત્ર છાયા ગુમાવી છે. એક સપ્તાહ પહેલા બાળકના પિતાનું નિધન થયા બાદ આજે તેની માતાને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો છે. કોરોનાએ છેલ્લા એક વર્ષમાં અનેક લોકોના જીવ લીધા છે. અને અનેક લોકોના માથેથી છત્રછાયા છીનવી છે.

ભરૂચના મનુબર ખાતે રહેતા 47 વર્ષીય હિતેશ પરમાર તથા તેઓના 40 વર્ષીય પત્ની દીપ્તિકા પરમાર એક મેના રોજ કોરોના સંક્રમિત થયા હતા અને તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યાં હતા. હિતેશભાઈને બે સંતાનો છે. જેમાં એક દસ વર્ષીય દિકરો છે અને એક દિકરી છે. હિતેશભાઈ બે મેના રોજ કોરોના સામે જંગ હારી ગયા હતા અને તેઓએ અંતિમ શ્વાસ લીધો હતો. તેઓના પાર્થિવ દેહને તેઓના દસ વર્ષીય દિકરા પાર્થ દ્વારા અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો.

આ ઘટનાને એક સપ્તાહ નથી થયો અને ત્યાં દીપ્તિકા બહેનનું પણ નિધન થયુ. કોવિડ સ્મશાન ખાતે તેઓના મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં દસ વર્ષીય પાર્થે પોતાની માતાને અગ્નિદાહ આપ્યો. આ માસૂમે માત્ર એક સપ્તાહની અંદર જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

Shah Jina