આ માસૂમને એ પણ નથી ખબર કે તેણે તેના પિતા ગુમાવ્યા છે, દાદી પાસે બેસી રમી રહ્યો છે લઠ્ઠાકાંડમાં પિતાને ગુમાવનાર નાનકડો બાળક

3 વર્ષના બાળકનો શું વાંક? દાદી પાસે બેસેલા માસુમને ખબર પણ નથી કે તેણે પિતા નથી રહ્યા

ગુજરાતમાં હાલ તો ચારેબાજુ લઠ્ઠાકાંડની જ વાતો ચાલી રહી છે. ઝેરી દારૂ પીવાને કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બોટાદમાં કેમિકલ પીવાને કારણે ઘણા પરિવારો પણ ઉજડી ગયા છે. કોઇએ પતિ તો કોઇએ પિતા તો કોઇએ ભાઇ તો કોઇએ પોતાનો દીકરો ગુમાવ્યો છે.આ બે દિવસમાં બોટાદના રોજીદ, ચદરવા, અણિયાળી, આકરું, ઉચડી, ભીમનાથ, કુદડા, ખરડ, વહિયા, સુંદરણીયા, પોલારપુર, દેવગણા, વેજલકા અને રાણપરી ગામોમાં આક્રંદ છવાયેલુ છે. મોતનો આંકડો પણ 30થી વધુ છે અને હજી પણ ઘણા લોકો સારવાર હેઠળ છે. જેમાંથી ઘણાની હાલત ગંભીર પણ છે.

તસવીર સૌજન્ય : ઝી24

એક પછી એક મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે અને પરિવારોમાં પણ ગમગીન માહોલ છે. દારૂના ખપ્પરમાં હજી પણ ઘણા લોકો મરણપથારીએ ઝોલા ખાઈ રહ્યાં છે. બોટાદનો 3 વર્ષીય માસૂમ કેમિકલ કાંડના કારણે પિતા વિનાનો બન્યો છે. હવે તેની જવાબદારી દાદી પર આવી ગઇ છે. બિલાડી સાથે રમત રમતો કેવલ હજી સુધી એ વાતે અજાણ છે કે તેની દાદી તેને જોઇને રડી રહી છે અને તેના પિતા તો આ દુનિયામાં હવે નથી રહ્યા.

તસવીર સૌજન્ય : સંદેશ

માસુમ કેવલની ઉંમર એટલી નાની છે કે તેની સાથે ઘટિત ઘટનાથી તે સાવ અજાણ છે. કેવલના પિતા દીપકભાઈને દારૂ પીવાની કુટેવ હતી. થોડા સયમ પહેલા તેની માતા તેના પિતાની કુટેવને કારણે ઘર છોડીને જતી રહી હતી. કેવલ એક વર્ષનો હતો ત્યારે તેણે માતાનો પ્રેમ ગુમાવ્યો હતો. ત્યારે હવે દારૂના ખપ્પરમાં તેણે તેના પિતાને પણ ગુમાવ્યા છે. ઘરમાં કોઈ કમાનાર ધણી ન હોવાને કારણે કેવલના ભવિષ્ય સામે પ્રશ્નો ઉભો થયો છે.

તસવીર સૌજન્ય : સંદેશ

કેવલના દાદીએ ઝી મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, હવે તેમના કુટુંબનો કોઈ ધણી નથી રહ્યો, જે ગુજરાન ચલાવે. આ માટે તેઓ સરકારની મદદ સામે આશાભરી નજરે અપેક્ષા રાખી રહ્યા છે. કેવલના દાદી કહે છે કે તેમણે ઘણીવાર દીપકને દારૂનું સેવન ન કરવા સમજાવ્યુ પરંતુ તેણે ન માન્યુ અને કેમિકલ કાંડ તેમને ભરખી ગયો.

Shah Jina