નિદ્રાધીન પરિવાર પર સ્લેબનાં પોપડાં પડ્યાં:સુરતના સચિન વિસ્તારમાં રૂમમાં સૂતેલા પરિવાર પર સીલિંગ તૂટી, એકની એક 1 વર્ષની દીકરીનું મોત
ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોતની ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં સુરતમાં ઘરમાં સૂતેલા એક પરિવાર પર છત તૂટીને પડી હતી અને આને કારણે એક વર્ષના બાળકનું મોત નીપજ્યુ. આ ઘટના બાદ પરિવાર અને આસપાસના લોકોમાં શોકનો માહોલ છે. ઘટનાની જાણ થતા જ જીઆઈડીસી પોલીસ દોડી ગઇ હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના સચિનમાં રામેશ્વર કોલોની વિસ્તારમાં એક પરિવાર સૂઇ રહ્યો હતો અને આ દરમિયાન જ તેમના પર છત તૂટીને પડી. ત્યારે આ દુર્ધટનામાં એક વર્ષના બાળકનું મોત નીપજ્યુ અને માતા-પિતા તેમજ અઢી વર્ષની બાળકી ઇજાગ્રસ્ત થયા. ઉલ્લેખનીય છે કે, આ પરિવાર બે મહિના પહેલા જ રોજગારી માટે સુરત આવ્યો હતો.
મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલમાં સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી રામેશ્વર કોલોનીમાં રહેતો રાહુલ યાદવ પત્ની, એક પુત્ર અને એક 1 વર્ષીય પુત્રી સાથે રહેતો હતો. તે મિલમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને આખો પરિવાર એક રૂમમાં જ રહે છે.
દીકરી માતા સાથે બે મહિના પહેલાં જ વતનથી સુરત આવી હતી અને આજે વહેલી સવારે નિદ્રાધીન પરિવાર પર અચાનક સીલિંગ તૂટી પડી. પરિવારની બૂમાબૂમથી આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ગંભીર હાલતમાં શિવાનીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી પણ અફસોસ કે સારવાર મળે તે પહેલાં જ તે મોતને ભેટી.
જણાવી દઇએ કે, બે દિવસ પહેલા શહેરમાં આવો જ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંડેસરા વિસ્તારમાં બાળકો રમી રહ્યા હતા અને તે સમયે જ 7 ફૂટ ઊંચી દીવાલ ધરાશાયી થઈ અને પાંચ વર્ષનો માસૂમ બાળક મોતને ભેટ્યો હતો.