મુંબઈ જતી બસની અંદર કેવી રીતે જીવતા ભડથુ થયા 26 યાત્રી ? અકસ્માતમાં બચેલા યાત્રીએ સંભળાવી ખૌફનાક આપવીતી

Maharashtra Buldhana Accident: ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતના ચોંકાવનારા બનાવો સામે આવે છે, ત્યારે હાલમાં મહારાષ્ટ્રના બુલઢાણામાં શુક્રવારે મોડી રાત્રે એક દર્દનાક બસ અકસ્માત સર્જાયો, જેમાં 26 મુસાફરોએ જીવ ગુમાવ્યા. આ અકસ્માત સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર થયો હતો. અહીં સિટીલિંક ટ્રાવેલ્સની લક્ઝરી બસ નાગપુરથી મુંબઈ જઈ રહી હતી. અકસ્માત બાદ બસમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં બસ બળીને ખાખ થઇ ગઇ હતી. લોકો કંઈક સમજી શક્યા ત્યાં સુધીમાં તો 26 લોકો આગમાં ભડથુ થઇ ગયા હતા.

બુલઢાણા એસપીએ કહ્યુ કે બસમાં કુલ 33 લોકો હતા, જેમાંથી 3 માસૂમ બાળકો સહિત 26 લોકોના મોત થયા હતા. જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના અંગે માહિતી આપતાં પોલીસ અધિક્ષકે જણાવ્યું કે સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર જઈ રહેલી બસનું ટાયર ફાટ્યું, ત્યારબાદ તે પોલ અને ડિવાઈડર સાથે અથડાઈ. આ પછી તે પલટી મારી ગઇ અને પછી બસે આગ પકડી લીધી. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અધિક્ષક સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ કરી હતી.

આ ઘટનામાં બસનો ડ્રાઈવર બચી ગયો હતો. તેણે જણાવ્યું કે ટાયર ફાટ્યા બાદ બસ બેકાબૂ બની ગઈ હતી, જે બાદ બસ પલટી ગઈ અને આગ લાગી. લોકોએ તાત્કાલિક પોલીસ સહિત વહીવટી અધિકારીઓને અકસ્માતની જાણ કરી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી હતી. હાઈવે પર તૈનાત ઈમરજન્સી મેડિકલ ટીમની સાથે ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.

પોલીસે તાકીદે ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. મુંબઈ જતી વખતે બસ પોલ સાથે અથડાઈ અને લગભગ 1.30 વાગ્યે પિંપલખુટા ગામ પાસે ડિવાઈડર સાથે અથડાઈ અને પછી બસ પલટી મારી ગયા બાદ તેમાં આગ લાગી. આ અકસ્માતમાં બચી ગયેલા એક મુસાફરે જણાવ્યું કે તેણે અને અન્ય કેટલાક મુસાફરોએ બારી તોડીને પોતાનો જીવ બચાવ્યો. આ વ્યક્તિએ ભયાનક અકસ્માત દરમિયાન જોયેલા દ્રશ્યની માહિતી શેર કરી છે. તેણે જણાવ્યું કે, બસનું ટાયર ફાટ્યું હતું અને વાહનમાં તરત જ આગ લાગી ગઈ હતી.

આગ થોડી જ વારમાં ફેલાઈ ગઈ હતી. હું અને મારી બાજુમાં બેઠેલા એક મુસાફર પાછળની બારી તોડીને અમારો જીવ બચાવી શક્યા.” બચી ગયેલા વ્યક્તિએ જણાવ્યું કે અકસ્માત બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બુલઢાણા બસ અકસ્માતમાં બચી ગયેલા વ્યક્તિએ જણાવ્યું કે, ‘હું નાગપુરથી ઔરંગાબાદ જવા માટે બસમાં ચડ્યો હતો. સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર અકસ્માત બાદ તરત જ બસ પલટી ગઈ અને તેમાં આગ લાગી ગઈ.

બસમાં વિસ્ફોટ થયા બાદ તરત જ 3-4 લોકો બારી તોડીને નાસી છૂટ્યા હતા.એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે ચારથી પાંચ મુસાફરો બસની બારી તોડીને ભાગવામાં સફળ થયા હતા. પરંતુ દરેક જણ તે કરી શકતું નથી. જેઓ બસમાંથી બહાર નીકળી શક્યા હતા તેઓએ કહ્યું કે તેઓએ હાઈવે પર અન્ય વાહનોની મદદ લીધી, પરંતુ કોઈ રોકાયું નહીં.

Shah Jina