ઉદ્દઘાટન થવાની થોડી જ વારમાં ધડામ દઈને કકડભૂસ થઇ ગયો પુલ, પત્ની સાથે જ નાળામાં પડી ગયા મેયર સાહેબ, જુઓ વીડિયો

મોટા મોટા કામોમાં પણ કૌભાંડ થતા આપણે જોઈએ છીએ, ઘણીવાર સમાચારમાં મોટા મોટા પુલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં ઘણા લોકોના મોત પણ થતા હોય છે, આવી દુર્ઘટનાઓ પાછળ ભ્રષ્ટાચાર સામે આવે છે, જેમાં પુલ બનાવતી વખતે તેના માલ મટીરિયલમાં હલકો સમાન વાપર્યો હોવાનું સામે આવે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં ઉદ્ઘાટનના તરત બાદ એક બ્રિજ તૂટી પડતાં મેયરને શરમનો સામનો કરવો પડ્યો છે. આ મામલો મેક્સિકોના કુર્નાવાકા શહેરનો છે અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. પુલ ધરાશાયી થવાને કારણે તેના પર ઉભેલા 20થી વધુ લોકો નાળામાં પડી ગયા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટનામાં આઠ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક શહેર વહીવટીતંત્રએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચાર સિટી કાઉન્સિલ સભ્યો, અન્ય બે શહેરના અધિકારીઓ અને એક સ્થાનિક પત્રકાર ઘાયલ થયા હતા અને સ્ટ્રેચર પર ગટરમાંથી કાઢીને  તેમને સ્થાનિક હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.

વીડિયોમાં લોકોનો મોટો સમૂહ પુલ પર ચાલતો જોઈ શકાય છે. શરૂઆતમાં એવું લાગે છે કે બ્રિજ લોકોનું વજન ઉઠાવશે, પરંતુ થોડા જ સમયમાં બ્રિજ સહિત તમામ લોકો ગટરમાં પડી જાય છે. સ્થાનિક અહેવાલો અનુસાર, મેયરની પત્ની સહિત અનેક લોકો 10 ફૂટ નીચે પડ્યા હતા. લાકડાના બોર્ડ અને ધાતુની સાંકળોથી બનેલા હેંગિંગ બ્રિજને તાજેતરમાં રિમોડેલ કરવામાં આવ્યો હતો.

સ્થાનિક સમાચારોના અહેવાલો અનુસાર મેયર જોસ લુઈસ ઉરીઓસ્ટેગુઈએ જણાવ્યું હતું કે કેટલાક લોકો પુલનું ઉદ્ઘાટન કરતા પહેલા તેના પર કૂદકો મારી રહ્યા હતા. વધુમાં મેયરના જણાવ્યા મુજબ, અધિકારીઓ અને પત્રકારોની હાજરી કદાચ પુલની ક્ષમતા કરતાં વધી ગઈ હતી.

Niraj Patel