લગ્નના સાતમા દિવસે કન્યા થઇ ગઈ રફુચક્કર, જુનાગઢમાંથી સામે આવી બીજી એક લૂંટેરી દુલ્હન

જૂનાગઢ: લોકો થઇ રહ્યા છે લૂટેરી દુલ્હનનો ‘શિકાર’, લગ્નના 7 જ દિવસમાં યુવતી રફુચક્કર પછી

આપણા દેશની અંદર ઘણા લૂંટેરી દુલ્હનનો ભોગ બનતા ઘણા લોકો સામે આવે છે. લગ્ન ઇચ્છુક યુવકો આવી ઘણી યુવતીઓનો ભોગ બનતા જોવા મળે છે ત્યારે હાલ જુનાગઢમાંથી પણ એક લૂંટેરી દુલ્હન સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામના યુવાન સાથે અમદાવાદની યુવતીએ લગ્નનું નાટક કરી યુવાન પાસેથી સાડા ત્રણ લાખ પડાવ્યા હતા અને લગ્નના સાત દિવસમાં યુવતી પલાયન થઈ ગઈ હતી.

આ બાબતે પોતાની સાથે છેતરપીંડી થયાનું માલુમ પડતાં લગ્ન કરેલા યુવાને પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જેના બાદ જૂનાગઢ તાલુકા પોલીસે યુવતી સહીત પાંચ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આંબલીયા ગામમાં રહેતા સતીષભાઈ પટોળીયાને લગ્ન માટે કન્યા ના મળતી હોય ભરત રાજગોર, મુન્નાભાઈ ઉર્ફે અનિરૂધ્ધ ગોહિલ અને તેના પત્ની દ્વારા લગ્ન કરવા માટે એક કન્યા બતાવવામાં આવી હતી. આ ઉપરાંત લગ્ન માટે ત્રણ લાખનો ખર્ચ થશે તેમ કહીને સતીષભાઈને ભગવતી નામની યુવતી સાથે મળાવ્યા હતા.

બધું જ નક્કી થયા બાદ આર્યસમાજમાં લગ્ન કરાવી યુવતીની માતા ધનુબેન અને સાળા શ્યામ માધવલાલ તિવારીએ રૂપીયા લઈ, યુવતીને સોનાના દાગીના અપાવી દીધા હતા. પરંતુ લગ્નના એક અઠવાડીયા બાદ જ થોડા દિવસ પિયર જવાનું બહાનું કરીને આરોપીઓ યુવતીને લઈને ફરાર થઈ ગયા હતા. સાથે પૈસાની જરૂર હોય 20 હજાર રૂપિયા રોકડા અને ઘરેણાં પણ સાથે લઈને ગઈ હતી.

સતિષભાઈએ થોડા દિવસ રાહ જોયા બાદ ફોન કરતાં આરોપીઓએ તેમને એવો જવાબ આપ્યો કે હવે યુવતી તમારે ત્યાં નહીં આવે અને ધમકી આપી ફોન બંધ કરી દીધો હતો. જેના કારણે યુવકને પણ લાગ્યું કે પોતે છેતરાયો છે અને ત્યારબાદ તેને જૂનાગઢના તાલુકા પોલીસ સ્ટેશનમાં યુવતી ભગવતી સહીત પાંચ લોકો સામે ફરીયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં પોતાની સાથે થયેલી સાડા ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડીની પણ વાત જણાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતા આરોપી યુવતી સમેત બીજા લોકોની પણ ધરપકડ કરી લીધી હતી.

Niraj Patel