Surat organ donation news : ગુજરાતમાંથી ઘણીવાર બ્રેઇનડેડ લોકોના અંગદાનની ખબરો આવે છે અને ઓર્ગન ડોનર સિટી તરીકે ઓળખાતા સુરતમાંથી તો ઘણી એવી ઘટનાઓ સામે આવી છે કે બ્રેઇનડેડ વ્યક્તિના પરિવાર દ્વારા તેના અંગોનું દાન કરવામાં આવે છે. ત્યારે હાલમાં વધુ એક ઘટના સુરતમાંથી સામે આવી છે, જેમાં 24 વર્ષિય બ્રેઈનડેડ યુવકના ફેફસા સહિત કિડની અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું અને આનાથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યુ. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)
24 વર્ષિય જય બ્રેઇનડેડ થતા પરિવારે લીધો અંગદાનનો નિર્ણય
મૂળ રાજકોટનો અને હાલમાં કાપોદ્રામાં આવેલ સાંઈનાથ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતો 24 વર્ષિય જય ખેરડીયા તેના પરિવારનો એકનો એક દીકરો હતો અને તેની એક બહેન છે જે પરિણીત છે. જય એન.જે ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ પ્રા.લી.કંપનીમાં ડેપ્યુટી આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. જો કે, 30 જુલાઈએ તેને અચાનક માથામાં દુ:ખાવો અને ઉલટી થતા સારવાર માટે ડાયમંડ હોસ્પિટલ ખસેડાયો પણ CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું.
પાંચ લોકોને મળ્યુ નવજીવન
તે બાદ જયના બ્રેઈનડેડ અંગેની જાણ થતા ડોનેટ લાઈફની ટીમ હોસ્પિટલ પહોંચી અને તેના પરિવારને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યુ અને તેની પ્રક્રિયા સમજાવી. જયના પિતા દિનેશભાઈએ જણાવ્યું કે, તેઓ ખુબ જ સામાન્ય પરિવારના છે અને જીવનમાં કોઈ ચીજ વસ્તુઓનું દાન કરી શકીએ તેમ નથી. તેમનો દીકરો બ્રેઈનડેડ છે, ત્યારે તેમના પુત્રના અંગોના દાન થકી વધુમાં વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા તેમણે સંમતિ આપી. પરિવારજનોની સંમતિ બાદ જયની બે કિડની અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને અને ફેફસા મુંબઈની ગ્લોબલ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા.
287 કિલોમીટરનું અંતર 120 મિનિટમાં હવાઈ માર્ગે કાપવામાં આવ્યુ
આ ઉપરાંત ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું.સુરતની ડાયમંડ હોસ્પિટલથી મુંબઈનું 287 કિલોમીટરનું અંતર 120 મિનિટમાં હવાઈ માર્ગે કાપવામાં આવ્યુ અને અંધેરી મુંબઈના રહેવાસી 57 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવ્યુ. આ યુવકના ફેફસા સમયસર હવાઈ માર્ગે મુંબઈ પહોંચાડવા ડાયમંડ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી 18 કિલોમીટરના માર્ગનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો,
સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી બનાવવામાં આવ્યા છે 103 ગ્રીન કોરીડોર
કિડની રોડ માર્ગે સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરતની ડાયમંડ હોસ્પિટલથી અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ સુધીનો 272 કિલોમીટરનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ, સુરત ગ્રામ્ય પોલીસ, રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસના સહકારથી બનાવવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, હૃદય, ફેફસા, હાથ, નાનું આતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 103 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.