વિમાન દુર્ઘટનાના 20 કલાક વીતી ગયા હોવા છત્તાં પણ હજી સુધી કોઇ ન મળ્યુ જીવિત, સામે આવી નવી તસવીરો

ચીનમાં સોમવારની મોટી વિમાન દુર્ઘટનાના 20 કલાક પછી એક પણ મુસાફર કે ક્રૂ મેમ્બર જીવતો મળ્યો નથી. દેશમાં એક દાયકાની આ સૌથી ભયાનક વિમાન દુર્ઘટનામાં હવે કોઈના જીવિત બચવાની આશા ઓછી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સનું આ બોઇંગ 737-800 વિમાન સોમવારે બપોરે ગુઆંગસીમાં ક્રેશ થયું હતું. તે કુનમિંગથી ઉડાન ભરી અને ઔદ્યોગિક શહેર ગુઆંગઝુ તરફ જઈ રહ્યું હતું.

ફ્લાઈટ રડારથી મળેલી માહિતી અનુસાર, પ્લેને સ્થાનિક સમય અનુસાર બપોરે 1:11 વાગ્યે કુનમિંગ એરપોર્ટથી ઉડાન ભરી હતી. તે બપોરે 2:20 કલાકે 29,100 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું. લગભગ 2.20 વાગ્યે સંપર્ક તૂટી ગયો હતો. ચીનની રાહત અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

ચીનના રાજ્ય પ્રસારણકર્તા સીસીટીવીના અહેવાલ મુજબ, વિમાનમાં સવાર 132 લોકોમાંથી કોઈ પણ જીવિત મળ્યું નથી. ચીનમાં લગભગ એક દાયકાના ઈતિહાસની આ સૌથી ખરાબ દુર્ઘટના છે. દુર્ઘટના બાદ પ્લેન અને પહાડી વિસ્તારમાં ભયાનક આગ લાગી હતી. આ આગ એટલી પ્રચંડ હતી કે તે નાસાના ઉપગ્રહોના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી.

સીસીટીવીમાં ઘટના સ્થળે કાટમાળ જોઈ શકાય છે, પરંતુ વિમાનમાં સવાર કોઈ પણ વ્યક્તિ કે ક્રૂ સાથે કોઈ સંપર્ક થયો નથી અને કોઈ પણ હજી સુધી જીવિત મળ્યું નથી. દુર્ઘટના બાદ તરત જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઘટનાસ્થળે રાહત અને બચાવ ટીમ મોકલવાના નિર્દેશ આપ્યા હતા. જિનપિંગે અકસ્માત અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

તેમણે દુર્ઘટનાના કારણની તપાસ કરવા અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાના નિર્દેશ આપ્યા છે. બોઇંગ 737-800 સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ માનવામાં આવે છે. એરોસ્પેસ ફર્મે કહ્યું છે કે અમારા ટેકનિકલ નિષ્ણાતો ચીનના નાગરિક ઉડ્ડયન વિભાગની આગેવાની હેઠળની તપાસમાં મદદ કરવા તૈયાર છે.

ચીનનું બોઈંગ 737 એરક્રાફ્ટ ક્રેશ થયું હતુ અને અકસ્માત સમયે બોઇંગ 737માં કુલ 132 મુસાફરો સવાર હતા. ચીનના નાગરિક ઉડ્ડયનએ અકસ્માતની પુષ્ટિ કરી છે. જણાવવામાં આવ્યું છે કે 123 યાત્રીઓ અને 9 ક્રૂ મેમ્બર સવાર હતા.

ચીનમાં 132 મુસાફરોને લઈને જઈ રહેલા બોઈંગ 737ના ક્રેશ થયા બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ એવિએશન (DGCA) એ મોટો નિર્ણય લીધો છે. DGCA ચીફે આજતક સાથેની ખાસ વાતચીતમાં અરુણ કુમારે કહ્યું કે ભારતીય એરલાઇન્સના બોઇંગ 737 કાફલાને ‘વધારાની દેખરેખ’ પર રાખવામાં આવી રહી છે.

Shah Jina