ઢોંગી ભુવાએ સારુ બાળક જન્મશે કહી અધધધધ લાખ પડાવી લીધા, તો પણ બાળકતો ખોડ-ખાપણવાળું જ આવ્યું, જાણો વિગત

Rajkot Fraud Case: આજે ભલે જમાનો ગમે એટલો આગળ વધી ગયો હોય પણ ક્યાંકને ક્યાંક અંધશ્રદ્ધાના અનેક કિસ્સા જોવા મળે છે. અંધશ્રદ્ધામાં ક્યારેક લોકો પોતાનું સર્વસ્વ પણ ગુમાવી બેસતા હોય છે. જો કે, પછીથી હકિકત સામે આવતા લોકોની આંખ ઉઘડે છે. અત્યાર સુધી અંધશ્રદ્ધાના અનેક ચૌકાવનાર કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે હાલમાં જ એક ઘટના રાજકોટમાં બની છે. અહીં એક દંપતિએ ભુવા વિરૂદ્ધ સવા લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. રાજકોટનું નિ:સંતાન દંપતી બાળકની ઝંખનામાં અંધશ્રદ્ધા અને તાંત્રિકના ચક્કરમાં ફસાઇ ગયું.

આ દંપતીને એક ભુવાએ બાળકની ઇચ્છા પૂર્તિની ખાતરી અપાવી અને તેમની પાસેથી સવા લાખ રૂપિયા પડાવી લીધા. જો કે, લાખો રૂપિયાના ખર્ચ બાદ મહિલા ગર્ભવતી થઇ પણ બાળક અવિકસિત જન્મતાં દંપતિની આંખ ઉઘડી અને તેમણે ભુવા વિરૂદ્ધ જિલ્લા પોલીસમાં ફરિયાદ નોંધાવી. ત્યારે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, રાજકોટના લોધિકાના કાંગશીયાળી ગામે રહેતા અને ડ્રાઈવિંગ કરતા બકુલભાઈ ચાવડાના વર્ષ 2013માં થયા હતા.

તેમને અને તેમની પત્ની ભારતીબેનને લગ્ન બાદ સંતાન સુખ નહોતુ મળતુ અને આ માટે તેમણે ઘણી દવાઓ પણ કરી અને અનેક ડોક્ટરોને પણ બતાવ્યું. જો કે, તે બાદ ભારતીબેન ગર્ભવતી થયા, પણ ત્રણ મહિના બાદ તેમણે સોનોગ્રાફી કરાવી તો ખબર પડી કે બાળક ખોડ ખાપણવાળુ છે. તેમણે બીજા ડોક્ટરને પણ બતાવ્યુ અને તેઓએ પણ બાળક ખોડ ખાપણવાળુ હોવાનું જણાવ્યું. જો કે આ દંપતી ડોક્ટર પાસે દવા કરાવવાને બદલે ન્યારા ગામના ભુવા પાસે દોરા ધાગા કરાવવા ગયા અને ભુવા મહેન્દ્ર મુછડિયાએ તે સમયે કહ્યું કે, હું બધુ સરખુ કરી દઈશ, તમે ડોક્ટરને બદલી નાખો. આ માટે મારે એક વિધિ કરવી પડશે.

જો કે, ભુવાની વાતમાં આવ્યા બાદ બકુલભાઈ અને ભારતીબેન વિધિ કરાવવા તૈયાર થઈ ગયા. ભુવાએ આ દંપતિ પાસેથી વિધિના બહાને સવા લાખથી વધુ રૂપિયા પડાવ્યા અને વિધિ બાદ પણ ભારતીબેને અવિકસિત બાળકને જન્મ આપ્યો. જે બાદ તેઓ બાળકને લઈને ભુવા પાસે ગયા અને આ દરમિયાન તેણે જણાવ્યું કે, એક વર્ષમાં તમારું બાળક સરખું થઈ જશે. જો કે, અંધશ્રદ્ધાનો ભોગ બનેલા આ દંપતીએ વિજ્ઞાનજાથાનો સંપર્ક કર્યો અને તે દ્વારા ભુવાનો ભાંડો ફોડવામાં આવ્યો અને દંપતી દ્વારા ભુવા સામે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી.

Shah Jina