બોલીવુડના કલાકારોની જેમ ભારતીય ટીમના ખેલાડીઓના પણ કરોડો ચાહકો છે, તેમના અંગત જીવનમાં પણ ચાહકો ખુબ જ રસ દાખવે છે, ત્યારે હાલમાં જ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારના ઘરેથી એક ખુશ ખબરી આવી છે. તેની પત્ની નૂપુર નાગરે બુધવારના રોજ દીકરીને જન્મ આપ્યો છે.
ભુવનેશ્વરની પત્ની નૂપુરે દિલ્હીની એક હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે, તેને મંગળવારના રોજ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. ભુવનેશ્વર હાલમાં જ ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ટી-20 સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ હતો. ટી-20 વર્લ્ડ કપમાં ભુવનેશ્વરનું ફોર્મ સારું રહ્યું નહોતું, પરંતુ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં તેને ખુબ જ સારું પર્ફોમન્સ આપ્યું.
ભુવનેશ્વર કુમાર અને નૂપુર નાગરના લગ્ન 23 ડિસેમ્બર 2017ના રોજ થયા હતા, ત્યારે લગ્નના ચાર વર્ષ પૂર્ણ થવા ઉપર નૂપુરે દીકરીને જન્મ આપતા પરિવારમાં પણ ખુશીનો માહોલ છે. નૂપુરે દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે, મીડિયા રિપોર્ટ પ્રમાણે મા અને દીકરી બંને એકદમ સ્વસ્થ છે.
ભુવનેશ્વરના પિતા બનવાની ખબર સામે આવવાની સાથે જ તેના ચાહકો સાથે સાથી ક્રિકેટરો પણ તેને શુભકામનાઓ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ભુવનેશ્વરના પરિવારે ખુબ જ દુઃખનો સામનો કર્યો છે, તેના પિતાનું આ વર્ષે જ નિધન થઇ ગયું હતું, ત્યારે પરિવારમાં આવેલી આ ખુશ ખબરીથી પરિવારની ખુશીઓ પાછી ફરી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ભુવનેશ્વરની માતા ઇન્દ્રેશ અને બહેન રેખા હોસ્પિટલમાં નૂપુરની સાથે છે. ભુવનેશ્વર હાલ પરિવારથી દૂર છે, તેને ફોન દ્વારા પિતા બનવાની ખુશ ખબરી મળી હતી. આશા છે કે ભુવનેશ્વર ગુરુવાર સુધી મેરઠ પોતાના ઘરે પરત ફરી શકે છે.