રાજકોટના મંદિરના સેવક સાથે સમલૈંગિક સંબંધો બાંધી અને કરોડો રૂપિયાની માંગણી કરનાર વ્યક્તિ આખરે લાગી જ ગયો પોલીસના હાથે

ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી લોકો સાથે છેતરપિંડી કરવાના કિસ્સાઓમાં ખુબ જ વધારો થયો છે. ખાસ કરીને હનીટ્રેપના કિસ્સાઓ સતત સામે આવવા લાગ્યા છે, જેમાં કોઈ યુવતી કોઈ વ્યક્તિને પોતાના પ્રેમજાળમાં ફસાવીને બ્લેકમેઇલ કરતી હોય. પરંતુ થોડા સમય પહેલા રાજકોટમાંથી એક ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો હતો.

રાજકોટ શહેરના એક જાણીતા ધાર્મિક સંસ્થાનમાં સેવક તરીકે કામ કરી રહેલા જામનગર પંથકના યુવાન સાથે એક અન્ય યુવકે મિત્રતા કેળવી હતી અને સમલૈંગિક સંબંધો પણ બાંધ્યા હતા, જેના બાદ તે વ્યક્તિએ સેવકનો વીડિયો પણ બનાવી લીધો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપી હનીટ્રેપમાં ફસાવીને ચાર કરોડ રૂપિયાની માંગણી પણ કરી હતી.

ત્યારે આ મામલાની અંદર તપાસ કરી રહેલી ગાંધીગ્રામ પોલીસે આગાઉ ત્રણ લોકોની ધરપકડ કરી હતી, જેના બાદ હાલ તેમને મોટી સફળતા હાથ લાગી છે અને આ ઘટનાના મુખ્ય સૂત્રધાર વ્યક્તિ એવા મધ્યપ્રદેશના ભોપાલમાં રહેતા મયંક નામના વ્યક્તિની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે.

આ મામલાની અંદર ગાંધીગ્રામ પોલીસે સેવકની ફરિયાદના આધારે ગુન્હો નોંધીને ભાવનગરના સિંહોરમાં આવેલા રાજપરા ખોડિયાર ગામના ચીમન ઉર્ફે મુન્નો પાલજીભાઈ ગોહિલ, વરતેજના મનોજ ઉર્ફે અભય વિનોદભાઈ રાઠોડ, અને ગોંડલીમાં આશાપુરા રોડ ઉપર રહેતા ભોજરાજસિંહણ ઉર્ફે ભોજુભા ગંભીરસિંહ ગોહિલ સામે ગુન્હો નોંધીને ત્રણેય લોકોની ધરપકડ પણ કરી હતી.

આ ઘટનામાં સેવક સાથે યુવાને સમલૈંગિક સંબંધો બાંધી અને તેનો વીડિયો હિડન કેમેરા દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો, જેના બાદ આ વીડિયોને વાયરલ કાયર સેવક પાસે પહેલા રૂપિયા 1.35 કરોડની માંગણી કરવામાં આવી હતી અને તેના બાદ અન્ય બે વ્યક્તિઓ સાથે સેવકે મિટિંગ કરી હતી અને તેમાં ગાળાગાળી કરીને ધમકી આપી રૂપિયા 4 કરોડની માંગણી કરવામાં આવી હતી. જે પછી સેવક પાસેથી 10 હજાર રૂપિયા પણ પડાવી લેવામાં આવ્યા હતા.

આ ઘટનાનો મુખ્ય આરોપી મયંક ફરાર હોય પોલીસે તેની તપાસ હાથ ધરી હતી. અગાઉ ત્રણ લોકો તો પોલીસની ધરપકડમાં આવી ગયા હતા પરંતુ મયંક ચકમો આપીને ફરાર થઇ ગયો હતો, પરંતુ હવે પોલીસે આ ઘટનાના મુખ્ય સૂત્રધાર મયંકની પણ ધરપકડ કરી લીધી છે અને આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel