કોરોનાએ સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટીઓને પણ પોતાની ચપેટમાં લીધા છે. ગઈકાલે જ ટીવી ઉપરની ખ્યાતનામ ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ધારાવાહિકથી ઘર ઘરમાં ઓળખ બનાવી ચૂકેલા અભિનેતા ભવ્ય ગાંધીના પિતાનું નિધન થયું હતું.
ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું 11 મેના રોજ કોરોનાને કારણે નિધન થયું હતું. છેલ્લાં એક મહિનામાં ત્રણ અલગ અલગ હોસ્પિટલમાં દાખલ થયા બાદ વિનોદ ગાંધીએ 11 મેના રોજ કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હાલમાં જ ભવ્ય ગાંધીની માતા યશોદા ગાંધીએ આ અંગે વાત કરી હતી.
ભવ્ય ગાંધીની માતા યશોદા ગાંધીએ વેબ પોર્ટલ સ્પોટબોય સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, “મારા પતિ કોરોના વાયરસ જ્યારથી આવ્યો ત્યારથી ઘણી જ સાવચેતી રાખતા હતા. તે માત્ર સોશિયલ ડિસ્ટન્સિંગનું જ પાલન નહોતા કરતાં, પરંતુ હંમેશાં માસ્ક પણ પહેરતા હતા. તે સતત હાથ સેનિટાઈઝ પણ કરતા હતા. તે જ્યાં પણ બેસતા તે જગ્યાને પણ સેનિટાઈઝ કરતા હતા. આટલું ધ્યાન રાખવા છતાંય તેમને વાયરસનો ચેપ લાગ્યો છે. ‘મહિના પહેલાં અચાનક તેમણે મને કહ્યું કે તેમને ઠીક નથી લાગતું અને તેથી જ આજથી તું મારા રૂમમાં ના રહીશ. જોકે, તે સમયે તેમને કોઈ લક્ષણો જોવા મળ્યા નહોતા.”
વધુમાં વાત કરતા યશોદાબેને જણાવ્યું હતું કે, “બીજા દિવસે જ્યારે હું તેમના રૂમમાં ગઈ તો તેમને સામાન્ય તાવ હતો અને તેથી જ મેં તરત જ ડોલો ટેબલેટ આપી હતી. બપોરના સમયે તેમણે મને કહ્યું કે તેમને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. તેથી હું તાત્કાલિક તેમને લઈને ચેસ્ટ સ્કેનિંગ માટે ગઈ હતી. રિપોર્ટમાં 5% ઈન્ફેક્શન હોવાનું આવ્યું હતું. તેથી ડૉક્ટર્સે ઘરે જ આઈસોલેશનમાં રહેવાની અને ચિંતા જેવું કંઈ જ નથી તેમ કહ્યું હતું. સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સની દવા ચાલુ કરવામાં આવી હતી. જોકે, બે દિવસ બાદ પણ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહોતો.”
“ત્યારબાદ અમે બીજા જાણીતા ચેસ્ટ ફિઝિશિયન પાસે ગયા પરંતુ તેમની પરિસ્થિતિ એવી ને એવી જ રહી હતી. અમે ફરીવાર CT સ્કેન કરાવ્યો કે દવાથી તેમને ફાયદો થઈ રહ્યો છે કે નહીં. અમારા કમનસીબે ઈન્ફેક્શન ડબલ થઈ ગયું હતું અને તેથી જ અમારે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડે તેમ હતાં, પરંતુ મને એક પણ હોસ્પિટલ મળતી નહોતી. હું જેને પણ ફોન કરતી તે એમ જ કહેતા કે BMCમાં રજિસ્ટ્રેશન કરાવો અને જ્યારે તમારો નંબર આવશે ત્યારે BMC તમને ફોન કરશે. જોકે, ભવ્યના મેનેજરની મદદથી અમને દાદરની એક હોસ્પિટલમાં બેડ મળ્યો હતો.”
ભવ્યની માતાએ આગળ જણાવ્યું હતું કે, “અહીંયા તેઓ બે દિવસ રહ્યા હતા અને ત્યારબાદ ડૉક્ટર્સે ICUની જરૂર હોવાની વાત કહી હતી અને હોસ્પિટલમાં ICU બેડ્સ નહોતા. તેથી હોસ્પિટલે બીજે શિફ્ટ કરવાનું કહ્યું હતું. મેં 500થી વધુ ફોન ICU બેડ્સ માટે કર્યા હતા. હોસ્પિટલથી લઈ રાજકારણી, સ્વૈચ્છિક સંસ્થા, મારા ઓળખીતા, કેટલાંક પરિવારના સભ્યો સહિતના લોકોને ફોન કર્યા હતા. જોકે, મને ICU બેડ મળી શક્યો નહોતો. હું અને મારો પરિવાર પૂરી રીતે ભાંગી પડ્યા હતા. તે સમયે અમે અમારી જાતને લાચાર સમજતા હતા. જોકે, ભગવાનની દયાથી એક મિત્રની મદદથી અમને ગોરેગાંવની નાનકડી હોસ્પિટલમાં ICU બેડ મળ્યો હતો.”
વધુમાં તેમને એમ પણ જણાવ્યું કે “અહીંયા અમારો સંઘર્ષ પૂરો થયો નહોતો. મારા પતિને કારણે મારા મોટા દીકરા તથા પુત્રવધૂને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તે બંને ઘરમાં જ આઈસોલેશનમાં હતા અને હું તેમનું ધ્યાન રાખતી હતી. ભવ્ય હોસ્પિટલમાં પિતાનું ધ્યાન રાખતો હતો. ડૉક્ટરે રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. અમે 6 ઈન્જેક્શન 8 ઈન્જેક્શનના ભાવમાં લાવ્યા હતા. ત્યારબાદ ડૉક્ટરે અમને ટોક્સિન ઈન્જેક્શન લાવવાનું કહ્યું હતું. મને એટલું ખરાબ લાગ્યું કે જે ઈન્જેક્શન આપણાં ભારતમાં બને છે, તે ઈન્જેક્શન મને આખા ભારતમાંથી ક્યાંય ના મળ્યું. મારે તે ઈન્જેક્શન દુબઈથી તાત્કાલિક મગાવવું પડ્યું અને 45 હજારના ઈન્જેક્શનના મારે એક લાખ રૂપિયા ચૂકવવા પડ્યા. જોકે, તે ઈન્જેક્શનની તેમના પર કોઈ અસર ના થઈ.”
પોતાના સંઘર્ષ અને દુઃખ વિશે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, “છેલ્લે અમે તેમને કોકિલાબેન હોસ્પિટલમાં શિફ્ટ કર્યા પરંતુ તેઓ તેમને લેવા તૈયાર નહોતા. તેમણે એવું કહ્યું કે કોવિડ 19ના દર્દીઓનું BMCમાં રજિસ્ટ્રેશન ના હોય તો તેઓ તેમની હોસ્પિટલમાં એડમિટ કરતા હતા. આ વાત સાંભળીને હું હિંમત હારી ગઈ હતી. મેં તેમને કહ્યું કે તેઓ બેભાન છે અને વેન્ટિલેટર પર કોઈ આશા રહી નહોતી. મેં હોસ્પિટલવાળાને મનાવ્યા અને તેમની પરિસ્થિતિ જણાવી. અંતે તેઓ માન્યા અને ICU બેડ આપ્યો હતો. અહીંયા તેઓ છેલ્લાં 15 દિવસ રહ્યા અને ગઈ કાલે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.”
અંતે યશોદાબેને ભારે હૈયે જણાવ્યું હતું કે, “મેં છેલ્લે તેમને 23 એપ્રિલે દૂરથી જોયા હતા. તે બેભાન હતા અને તેમણે મને જોઈ નહોતી.” વિનોદ ગાંધીના નિધનથી પરિવારમાં પણ ઊંડો શોક વ્યાપી ગયો છે.