વ્યાજખોરના ત્રાસથી ભાવનગરના આધેડે જીવન ટૂંકાવ્યું, 1.5 લાખના થઇ ગયા હતા 40 લાખ

કોરોનાના કારણે ઘણા લોકો આર્થિક સંકટમાં સફાઈ ગયા છે, જેના કારણે તેમના રોજગાર ધંધા પણ બંધ થઇ ગયા છે અને તેમની પાસે આવકનું સાધન પણ નથી, જેના કારણે વ્યવસાય કરવા કે કોઈ બીજા કામ માટે કોઈ પાસે લીધેલા ઉછીના નાણાં પણ તે પાછા નથી આપી શકતા, ઘણા લોકો તો આર્થિક સંકળામણમાં આવીને પોતાનું જીવન પણ ટૂંકાવી લેતા હોય છે.

આ દરમિયાન વ્યાજખોરોનો ત્રાસ પણ સતત વધી રહ્યો છે, ઘણા લોકો વ્યાજખોરોના ત્રાસથી પણ પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. આવી જ એક ઘટના ભાવનગરમાંથી સામે આવી છે જ્યાં એક આધેડે વ્યાજે લીધેલા 1.50 લાખ રૂપિયાનું વ્યાજ ચઢી ચઢીને 40 લાખ થઇ ગયું હતું, અને વ્યાજખોરો છેલ્લા 10 વર્ષથી તે વ્યક્તિને પૈસા માટે દબાણ કરી રહેલા હોય તે આધેડે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘો જકાતનાકા વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા રઘુભાઈ રામજીભાઈ ડુમરાળિયા (ઉ.વ.55, રહે. વરાહી સોસાયટી)એ આજે વહેલી સવારે પાંચ વાગ્યે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જેમને સારવારઅર્થે સર ટી. હોસ્પિટલમાં લવાતા અહીં તેમની સારવાર દરમિયાન સવારે 8.30 કલાકે મોત થયું હતું. રઘુભાઈએ વ્યાજખોરોએ ત્રાસ આપી, વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મરવા મજબુર કર્યાં હોવાનો ખુલોસો સુસાઈડ નોટમાં કર્યો હતો.

આ બાબતે મળી રહેલ વધુ માહિતી પ્રમાણે રધુભાઇએ સુસાઈડ નોટ પ્રમાણે માનસિંહ હેમંતસિંહ વાળા પાસેથી દોઢ લાખ વ્યાજે લીધાં હતા જેના વ્યાજ સહિત ચાલીસ લાખની માંગણી શારિરીક માનસિક ત્રાસ અને ધમકી આપી માનસિંહ હેમંતસિંહ વાળા અને નિકુલસિંહ હતુભા સરવૈયાએ તેમને મરવા મજબુર કર્યાં હોવાનો ખુલાસો કરતા ભારે ખળભળાટ મચ્યો છે.

તેમના પરિવારજનો તરફથી જાણવા મળતી વિગતો પ્રમાણે વ્યાજખોરો છેલ્લા 10 વર્ષથી તેમને ત્રાસ આપતા હતા. પૈસા અને વગ અને પોલિટિકલ પાવરનો ઉપયોગ કરી કોઈ કાર્યવાહી થવા દેતા નહોતા. અગાઉ પણ તેમના ત્રાસ અંગે પોલીસ, કલેકટર અને મુખ્યમંત્રી સુધી રજુઆત કરવા છતાં કંઈ કાર્યવાહી થઈ નહોતી અને આજે રઘુભાઈએ અપઘાત કરી લીધાં બાદ પણ પોલીસે માત્ર અરજી લઈને સંતોષ માન્યો હતો.

મૃતક રઘુભાઈને વ્યાજખોરો દ્વારા અવારનવાર પાઠાણી ઉઘરાણી કરી ધમકી આપવામાં આવતી હતી કે તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશું, અમારા રૂપિયા આપી દે નહીતર તારૂં મકાન અમને ખાલી કરી દે. આ બાબતે મૃતક રઘુભાઈના પુત્ર જયેશભાઇએ જણાવ્યું હતું કે “તેમના તથા તેમના ભાગીદારો દ્વારા છેલ્લા 10 વર્ષથી મારા પિતાને માનસિક ત્રાસ આપી મારા પિતાને મરવા મજબુર કર્યાં છે અમે અમારુ જણ ગુમાવ્યું છે. બસ અમને ન્યાય મળે એ જ અમારી માંગ છે.” (સાભાર:દિવ્ય ભાસ્કર)

Niraj Patel