આજકાલના લગ્નોની અંદર શાહી અંદાજ જોવા મળે છે. કોઈ સીમંત વ્યક્તિના લગ્નમાં જો જવાનું હોય તો મોટી મોટી ભેટ સોગાદો પણ આપણે લઇ જઈએ છીએ, પરંતુ ભાગ્યે જ કોઈ એવા લગ્ન જોવા મળશે જ્યાંથી તમે સામે ભેટ આપવામાં આવી હોય.
આવા જ એક લગ્ન હાલ યોજાયા જેમાં લગ્નમાં આવનાર તમામ મહેમાનોને ભેટ પણ આપવામાં આવી. અને તે ભેટ એવી હતી તે જોઈને જ દરેક વ્યક્તિ ખુબ જ ખુશ થઇ ગયું, અને દીકરીને આશીર્વાદ આપવાની સાથે તેમના આ કર્યાની પ્રસંશા પણ કરવા લાગી ગયા.
આ લગ્ન હાલ માંડવીના એક રિસોર્ટમાં યોજાયા હતા. જેમાં મૂળ ભાવનગરની પાયલોટ દીકરી નચિકેતા રાવલના લગ્ન ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા, પરંતુ આ લગ્નના વૈભવ કરતા તેમાં આવેલા મહેમાનોને આપેલી ભેટ ખુબ જ ચર્ચાનો વિષય બની ગઈ.
નચિકેતા રાવલ પોતે પાયલોટ છે તેના પિતા વન અધિકારી છે. નચિકેતા ચેન્નાઈમાં રહીને સ્પાઇસજેટ એરલાઇન્સમાં પાયલોટ તરીકે ફરજ બજાવી રહી છે. નચિકેતાએ પોતાના સાથી પાયલોટ બેગ્લોરનાં યુવાન કપ્તાન અનિરુદ્ધ ક્રિષ્ના સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.પરંતુ નચિકેતા ઇચ્છતી હતી કે તેના લગ્ન કંઈક અલગ હોય, લગ્નમાં આવેલા મહેમાનોને પાસેથી ભેટ લેવાને બદલે તેમને ભેટ આપવામાં આવે. સાથે હાલ કોરોનાનો સમય ચાલતો હોવાના કારણે એવી શું ભેટ આપવી તે પણ તેમના મનમાં એક પ્રશ્ન હતો.
લગ્નના ત્રણ મહિના પહેલા નચિકેતાને એક વિચાર આવ્યો અને તેને પોતાના પિતા પાસે આ વિચારને રજૂ કરતા જણાવ્યું કે લગ્નમાં આવેલા મહેમાનોને અરડૂસીનાં છોડ ભેટ તરીકે આપવામાં આવે. તેના પિતાએ પણ તેના માટે સહમતી દર્શાવી અને અરડૂસીનાં રોપા બજારમાંથી લાવવાના બદલે લગ્નના ત્રણ મહિના પહેલા જ ઘરે ઉછેરવાની શરૂઆત પણ કરી દીધી.
લગ્ન કચ્છ-માંડવીના એક રિસોર્ટમાં યોજાવવાના હતા, જેના કારણે ભાવનગરમાં પોતાના ઘરે ઉછેરેલા 175 જેટલા અરડૂસીનાં કુંડા ભાવનગરથી માંડવીના રિસોર્ટમાં પહોચવવામાં આવ્યા. લગ્નમાં આવેલા તમામ મહેમાનોને અરડૂસીનાં છોડની ભેટ મળતા તે ખુભ જ ખુશ ખુશાલ બની ગયા હતા. કારણ કે અરડૂસી કફ અને બીજા ઘણા રોગો માટે એક રામબાણ ઈલાજ છે.
ભાવનગરની પાયલોટ દીકરી દ્વારા તેના લગ્નમાં આપવામાં આવેલી આ ભેટના વખાણ લગ્નમાં આવેલા મહેમાનો ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ ઘણા લોકો કરી રહ્યા છે. આ પહેલા પણ નચિકેતાની બહેન સ્વાતિને પણ ઘણી પ્રસંશાઓ મળી હતી.
સ્વાતિ રાવલ પણ એક પાયલોટ તરીકે ફરજ બજાવે છે. સ્વાતિએ કોરોના બ્લાસ્ટ સમયે ઇટાલીમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે એર ઇન્ડિયાની બોઇંગ 778 ફલાઇટ ઉડાવીને વતન પહોંચાવ્યાં હતા. તેના આ કામની પણ ખુબ જ પ્રસંશા થઇ હતી.