મોંઘવારીનો માર: હવે તમારુ ખાવા-પીવાનું પણ થશે મોંઘુ,LPG સિલિન્ડરમાં 264 રૂપિયાનો વધારો

દિવાળી પહેલા પેટ્રોલિયમ કંપનીઓએ મોંઘવારીને મોટો ઝટકો આપ્યો છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 264 રૂપિયાનો જંગી વધારો થયો છે. આ વધારા સાથે હવે દિલ્હીમાં 19.2 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2000.5 રૂપિયા થઈ ગઈ છે.

જોકે, રાહત આપતા ઘરેલુ ઉપયોગ માટે ઉપયોગમાં લેવાતા 14.2 કિલોના એલપીજી સિલિન્ડરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. નોંધનીય છે કે 6 ઓક્ટોબર, 2021ના રોજ કરાયેલી સમીક્ષા મુજબ દિલ્હીમાં 19.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત માત્ર 1736.50 રૂપિયા હતી. પરંતુ આ મહિનાની શરૂઆતમાં એટલે કે આજે 1 નવેમ્બર 2021ના રોજ તેમાં 264 રૂપિયાનો જંગી વધારો કરવામાં આવ્યો છે.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ હવે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2000.50 રૂપિયા થઈ ગઈ છે. એ જ રીતે કોલકાતામાં 19.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત 2073.5 રૂપિયા, મુંબઈમાં 1950 રૂપિયા અને લખનૌમાં 2093 રૂપિયા થઈ ગઈ છે.

ખાણી-પીણી મોંઘી થશે : જેના કારણે રેસ્ટોરાંનું ખાવા-પીવાનું ખૂબ મોંઘું થઈ જશે. નોંધનીય છે કે શાકભાજી, સરસવના તેલના આસમાને આંબી ગયેલા ભાવને કારણે રેસ્ટોરન્ટના લોકો પહેલેથી જ પરેશાન છે. હવે તેઓ એલપીજી સિલિન્ડરના ઊંચા ભાવને કારણે ખાણી-પીણીની કિંમતમાં વધારો કરવાની ફરજ પડી શકે છે.

100 રૂપિયાથી વધુનું નુકસાન : ઉલ્લેખનીય છે કે, એલપીજીના ભાવમાં વધારો થવાની સંભાવના પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી. જો કે ઓઈલ કંપનીઓએ હજુ ઘરેલુ ગેસના ભાવમાં વધારો ન કરીને થોડી રાહત આપી છે, પરંતુ બાદમાં તેમાં વધારો પણ થઈ શકે છે.

એક સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરને કિંમત કરતાં ઓછા ભાવે વેચવાથી થતું નુકસાન (અંડર રિકવરી) હવે પ્રતિ સિલિન્ડર 100 રૂપિયાને વટાવી ગયું છે. આ અગાઉ એલપીજીના ભાવમાં છેલ્લો વધારો 6 ઓક્ટોબરે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જુલાઈથી તેની કિંમતમાં 90 રૂપિયાનો વધારો થયો છે. સબસિડી પર સરકાર એક પરિવારને વર્ષમાં માત્ર 12 સિલિન્ડર આપે છે.

YC