બનાસકાંઠાના ધાનેરામાં આ રોગનો ભોગ બન્યો પરિવાર, 7 લોકોની તબિયત કથળી, 10 જ દિવસમાં ત્રણ લોકોના થયા મોત

કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાયો અને કરોડો લોકો તેની ચપેટમાં આવ્યા અને લાખો લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. કોરોના ઉપરાંત પણ ઘણા એવા ગંભીર રોગના કારણે લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે ત્યારે ગુજરાતના ધાનેરામાંથી એક હૃદય કંપાવી દેનારી ખબર સામે આવી છે. જ્યાં એક જ પરિવારના 7 સભ્યોને ફૂડ પોઇઝનિંગ થતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 10 જ દિવસના અંતરમાં પરિવારના 3 સભ્યોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ધાનેરામાં કુંડી ગામે એક સાથે 7 લોકોને ફુડપોઇઝનની અસર થઇ હતી. જેમાં 03 લોકોનાં 10 દિવસની સારવાર બાદ મોત નિપજ્યાં છે. જ્યારે 04 દર્દીઓની હજી પણ સારવાર ચાલી રહી છે. જેમને વધારે સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સ્થિતિ પણ હાલ નાજુક હોવાનું ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

તો આ બાબતે મળી રહેલ વધુ માહિતી અનુસાર બજારની અંદર તેલના ભાવમાં સતત વધારો થતા તેલના બદલે લોકો રાયડો જાતે જ ખરીદી બજારમાં ઘાણી પર જઈને પીલાવે છે અને જે તેલ નીકળે છે તેનો ઉપયોગ પોતાના ભોજનમાં કરે છે અને તેના લીધે જ લોકો એપિડેમિક ડ્રોપસી નામનો રોગનો શિકાર બની રહ્યા છે.

આ પરિવારે પણ આવા તેલનું જ સેવન કર્યું હતું. જેના કારણે 15 દિવસ પહેલા પરિવારના  છગન લુમબાજી પુરોહિતના પગમાં સોજા આવતા તે તપાસ કરાવવા માટે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં તેમની તપાસ કરતા તેમને એપેડમિક ડ્રોપસી નામનો રોગ થયો હોવાનું જાણવા મળ્યું હતું. જેના બાદ તેમને પરિવારના સભ્યોની પણ તપાસ કરાવતા તેમને પણ આ રોગની અસર થઇ હોવાનું માલુમ થયું હતું.

જેના બાદ એપિડેમીક ડ્રોપસીના અસરગ્રસ્ત 7 લોકોને  પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન છેલ્લા દસ દિવસમાં છગનભાઈ અને તેમનો પુત્ર નવીન અને તેમની પુત્રી દક્ષાબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય ચાર લોકોને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Niraj Patel