પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું આયોજન અમદાવાદના ઓગણજ સર્કલ પાસે કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં માત્ર અમદાવાદ કે ગુજરાતના નહિ પણ દેશ અને વિદેશના લોકો પણ દર્શન અર્થે આવી રહ્યા છે. આ મહોત્સવમાં ઘણા નાની અનામી કલાકારો, નેતાઓ અને કેટલાક ઉદ્યોગપતિઓ પણ આવી ચૂક્યા છે. ત્યારે આ મહોત્સવમાં કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ આર વી રમન્ના ઉપસ્થિત રહ્યા.
સાથે જ NCP નેતા પ્રફુલ પટેલ યોગગુરુ બાબા રામદેવ વજુભાઈ વાળા, અમૂલના આર એસ સોઢી, સાંસદ નરહરિ અમીન સહિતના મહાનુભાવો પણ હાજરી આપી હતી. આ ઉપરાંત પતંજલિ યોગપીઠના સ્થાપક અને યોગગુરુ બાબા રામદેવ પણ હાજર રહ્યાહતા અને આ શતાબ્દી મહોત્સવને તેમણે સાંસ્કૃતિક ક્રાંતિનો મહોત્સવ ગણાવ્યો હતો. તેમણે કહ્યુ કે, આ ક્ષણ એ જીવનભરની સ્મૃતિ છે. મેં મારી આંખોથી 3 કુંભના દર્શન કર્યા છે. પણ અમદાવાદમાં 600 એકરમાં નિર્માણ પામેલા સાંસ્કૃતિક મહાકુંભના દર્શન કરી રહ્યો છું.
તેમણે આગળ કહ્યુ કે, 1000થી વધારે વિવેકી, સંતોષી અને સનાતની સંતોના દર્શન કરીને તેમનામાં મને પ્રમુખસ્વામી મહારાજના દર્શન થાય છે. તેમણે પ્રમુખ સ્વામી નગર વિશે કહ્યુ કે, નગરમાં આધુનિક પ્રબંધન નહિ પરંતુ પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય શક્તિ કાર્ય કરી રહી છે. તેઓએ કહ્યુ કે, તેમણે ત્રીસેક વર્ષ પહેલાં પ્રમુખસ્વામી મહારાજનાં આશીર્વાદ લીધા હતા અને ત્યારે તેમને કોઈ નહોતુ જાણતું, પણ આજે આખા વિશ્વમાં ભારતીય યોગનો પ્રચાર થઈ રહ્યો છે
એવા સમર્થ ગુરુ હતા પ્રમુખસ્વામી મહારાજ. તેમણે જણાવ્યુ કે, પ્રમુખસ્વામી મહારાજ સૌમ્યમૂર્તિ હતા અને આવા પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપવા પધારેલા સૌ મહાનુભાવોને વંદન કરું છું. તેમણે દેશ ભક્તિમાં દેવ ભક્તિનો ઉપદેશ આપ્યો છે. જણાવી જઇએ કે, પ્રમુખ સ્વામી મહારાજ એક માર્ગદર્શક અને ગુરુ હતા, જેમણે ભારત અને દુનિયામાં અગણિત લોકોના જીવનને પ્રેરિત કર્યુ. એક મહાન આધ્યાત્મિક ગુરુના રૂપમાં તેમને વ્યાપકરૂપથી સમ્માન અને સરાહના મળી.
તેમનું જીવન આધ્યાત્મ અને માનવતાની સેવા માટે સમર્પિત હતુ. BAPS સ્વામિનારાયણ સંસ્થાની શીર્ષ હસ્તીના રૂપમાં તેમણે લાખો લોકોને કલ્યાણ અને દેખરેખ પ્રદાન કરતા અગણિત સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક પહલોને પ્રેરિત કરી. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એક મહિના સુધી 15 જાન્યુઆરી 2023 સુધી ચાલવાનો છે.