આફ્રિકા સામેની પહેલી ટી-20માં ભારતના ઘાતક બોલર આવેશ ખાનના બોલે તોડ્યું આફ્રિકન પ્લેયરનું બેટ, પછી ચૂકવવી પડી એવી કિંમત કે થયો અફસોસ

પાંચ ટી-20 સીરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે ભારતનું સતત 13 T20 મેચ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું સપનું અધૂરું રહી ગયું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 4 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા, જે દક્ષિણ આફ્રિકા સામે T20માં ભારતનો સર્વોચ્ચ સ્કોર છે. ટીમ ઈન્ડિયા આ લક્ષ્યનો બચાવ કરી શકી ન હતી અને દક્ષિણ આફ્રિકાએ 5 બોલ બાકી રહેતા જ 212 રન બનાવીને મેચ જીતી લીધી હતી અને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી.

આ મેચમાં એક સમયે એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા સતત 13 મેચ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવશે. પરંતુ આવેશ ખાનની એક ઓવરમાં કંઈક આવું થયું, જેના પછી મેચનો આખો રસ્તો બદલાઈ ગયો અને રન બનાવવા માટે ઝઝૂમી રહેલા રાસી વાન ડેર ડુસેને એટલી જોરદાર બેટિંગ કરી કે ભારતને હારનો સામનો કરવો પડ્યો.

આવેશની ઓવર દરમિયાન એવું તો શું થયું ? જેના પછી મેચ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. આવેશ દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સની 14મી ઓવર નાખવા આવ્યો હતો. તેની ઓવરનો પહેલો બોલ ચોક્કસપણે વાઈડ હતો. પરંતુ પછીના ત્રણ બોલમાં કોઈ રન ન આવ્યો. ત્રીજો બોલ યોર્કર લેન્થનો હતો, જેને મારવાનો પ્રયાસ કરતી વખતે રાસીના બેટના બે ટુકડા થઇ ગયા. તે સમયે રાસી 26 બોલમાં 22 રન બનાવીને રમી રહ્યો હતો.

આ પછી તેણે પોતાનું બેટ બદલવું પડ્યું અને અહીંથી રમત પણ સંપૂર્ણપણે બદલાઈ ગઈ અને તેણે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો. તેણે અવેશ ખાનની આ ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને તેની શરૂઆત કરી હતી. રાસીએ બેટ બદલ્યા બાદ 17મી ઓવરમાં બેટથી તબાહી મચાવી દીધી હતી. આ ઓવર હર્ષલ પટેલ ફેંકી રહ્યો હતો. રાસીએ આ ઓવરમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગા સાથે કુલ 22 રન ફટકાર્યા હતા. બેટ બદલ્યા બાદ તેણે આગામી 11 બોલમાં 30 રન ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી અને પોતાની ટીમને વિજય અપાવીને જ પેવેલિયન પરત ફર્યો.

રાસીએ 46 બોલમાં અણનમ 75 રન ફટકાર્યા હતા. બેટ તૂટ્યા બાદ તેણે આગામી 20 બોલમાં 200થી વધુના સ્ટ્રાઈક રેટથી 53 રન બનાવ્યા. એટલે કે બેટ બદલીને દક્ષિણ આફ્રિકાના આ બેટ્સમેનની રમવાની શૈલી પણ બદલાઈ ગઈ અને તેણે ડેવિડ મિલર સાથે ચોથી વિકેટ માટે 64 બોલમાં અણનમ 131 રનની ભાગીદારી કરી અને આ ભાગીદારીને કારણે ભારતીય ટીમ હારી ગઈ.

Niraj Patel