લંડનમાં ગુજરાતી યુવક પર અશ્વેત શખ્સોએ કર્યો જીવલેણ હુમલો, ગુજરાતીઓમાં ભયનો માહોલ
Attack On Gujarati In London : આપણા દેશ અને ખાસ કરીને ગુજરાતમાંથી રોજ ઘણા બધા લોકો વિદેશ જતા હોય છે અને હજુ પણ ઘણા યુવાઓની વિદેશમાં ભણવા અને કમાવવા જવાની ઈચ્છા છે. ગુજરાતીઓ ખાસ કરીને લંડન, અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં જવાનું પસંદ કરે છે અને લંડન અને અમેરિકામાં તો ઘણા બધા ગુજરાતીઓ પણ રહે છે. ત્યારે ઘણીવાર વિદેશની ધરતી પરથી ઘણી એવી ઘટનાઓ સામે આવે છે જે વિદેશ જવાનું વિચારતા લોકોમાં ચિંતા ઉભી કરી દેતી હોય છે.
લંડનમાં ગુજરાતી યુવક પર હુમલો :
વિદેશમાં ઘણા ભારતીયો પર હુમલાઓ થવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે હાલ લંડનમાંથી પણ એક એવી જ ઘટના સામે આવી છે, જેમાં એક ગુજરાતી યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને લંડનમાં રહેતા ગુજરાતીઓમાં પણ ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર લંડનમાં કેટલાક અશ્વેતો દ્વારા એક ગુજરાતી યુવક પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી રહી છે.
ધારદાર હથિયારો સાથે અશ્વેતો તૂટી પડ્યા :
ગુજરાતી યુવક પર તીક્ષ્ણ હથિયાર સાથે કેટલાક અશ્વેતો તૂટી પડ્યા હતા. આ ઘટના થોડા દિવસ પહેલા બની હોવાનું કહેવાય છે અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર લંડનમાં જે યુવક પર હુમલો થયો છે તે ખેડા જિલ્લાનો વતની હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત હજુ યુવક વિશેની કોઈ માહિતી પણ સામે આવી નથી. ઘટનાને લઈને યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
વીડિયો થયો વાયરલ :
ઘટના સમયે ત્યાં હાજર ભારતીયો દ્વારા આ ઘટનાને કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી, જેના બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના લંડનના અપટોન પાર્ક સ્ટેશન પાસે બની હતી. હુમલા બાદ યુવકની સારવાર કરતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ત્યારે લંડનમાં રહેતા ગુજરાતીઓના સોશિયલ મીડિયામાં પણ અશ્વેતોથી સાવધાન રહેવાના મેસેજ આ વીડિયોની સાથે વાયરલ થઇ રહ્યા છે.