શું કોરોના રોકવામાં કારગર છે એસ્પ્રિનની ગોળી ? જાણો વૉટ્સએપ પર ફોરવર્ડ થઇ રહેલા મેસેજની સાચી હકીકત

સોશ્યલ મીડિયા ઘર બેઠા વિશ્વભરના લોકો સાથે જોડાવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ બની રહ્યું છે. આજે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન છે અને દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા સાથે જોડાયેલ છે. દુનિયાભરમાં શું ચાલી રહ્યું છે તે તમે સોશિયલ મીડિયા દ્વારા જાણી શકો છો, પરંતુ આ માધ્યમ ફેક ન્યૂઝનું કેન્દ્ર પણ બની રહ્યું છે. અહીં દરરોજ અનેક ફેક ન્યૂઝ જોવા મળે છે, આ સમાચાર સામાન્ય માણસ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આવા જ એક સમાચાર વૉટ્સએપ પર ફોરવર્ડ કરવામાં આવી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ એક બેક્ટેરિયા છે અને તેને એસ્પિરિનની ગોળીથી ઠીક કરી શકાય છે. સમાચારનું પોસ્ટમોર્ટમ કરનાર સરકારી સમાચાર એજન્સી પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB)એ આ સમાચારને નકલી ગણાવ્યા છે.

પીઆઈબીએ આ દાવાને ફગાવતા કહ્યું કે કોવિડ-19 એક વાયરસ છે બેક્ટેરિયા નથી. એસ્પિરિન જેવા એન્ટીકોએગ્યુલન્ટ્સથી તેનો ઉપચાર કરી શકાતો નથી. પીઆઈબીએ આ ફેક મેસેજથી ગેરમાર્ગે ન દોરાવવાની ચેતવણી આપી હતી. કોરોના વાયરસના કિસ્સામાં એસ્પિરિનનો ઉપયોગ બિલકુલ ન કરો અને તરત જ ડૉક્ટરની સલાહ લો.

આટલું જ નહીં વોટ્સએપના આ મેસેજમાં એસ્પિરિન પર એક અભ્યાસ કરવામાં આવ્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે જે જીવલેણ વાયરસનો ઈલાજ કરે છે. આ સમગ્ર મામલે પીઆઈબીએ સ્પષ્ટ કર્યું છે કે એસ્પિરિન જેવી દવા કોવિડ-19નો ઈલાજ નથી, કારણ કે એન્ટીકોએગ્યુલેન્ટ્સથી વાયરસનો ઈલાજ શક્ય નથી.

વોટ્સએપ પર ફેલાયેલી આ ફેક પોસ્ટ બાદ સરકારની આ પ્રતિક્રિયા આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ પોસ્ટથી સરકારે લોકોને સ્માર્ટ બનવા કહ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે વાયરલ થયેલી પોસ્ટ પાયાવિહોણી અને ખોટી માહિતી પર આધારિત છે. તેને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી.

Kashyap Kumbhani