હાર્દિક પંડ્યા સાથે બદસલૂકીથી તૂટ્યુ આર અશ્વિનનું દિલ, ચાહકોને લગાવી ફટકાર, કહ્યુ- બીજા કોઇ દેશમાં આવું જોયુ ?

IPL 2024: ‘આ પાગલપન છે…’ ટ્રોલ થઇ રહેલા MI કેપ્ટન હાર્દિક પંડ્યાને લઇને ફેને કર્યો આર અશ્વિનને સવાલ તો જુઓ શું જવાબ આપ્યો

હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ (MI) IPL 2024ની તેમની પહેલી બંને મેચ હારી ગઈ છે. હાર્દિક આ સમયે ઘણી ટ્રોલિંગનો સામનો કરી રહ્યો છે. ક્રિકેટ ગ્રાઉન્ડથી લઇને સોશિયલ મીડિયા સુધી તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. MI એ 17મી સિઝન પહેલા રોહિત શર્માના સ્થાને હાર્દિકને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો હતો. ઘણા MI ચાહકો હાર્દિકના કેપ્ટન બનવાથી નાખુશ છે. હાર્દિકે બે સિઝન માટે ગુજરાત ટાઇટન્સ (GT) ની કેપ્ટનશીપ કરી હતી પરંતુ MIની કમાન્ડ મળ્યા બાદ તે ચાહકોના નિશાના પર છે.

ત્યારે હવે ભારતનો દિગ્ગજ સ્પિનર ​​આર અશ્વિન હાર્દિકના સમર્થનમાં આગળ આવ્યો છે. તેણે હાર્દિક સાથે બદસલૂકી પર ચાહકોને ફટકાર લગાવી છે. અશ્વિન IPLમાં રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમે છે. અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, “શું તમે અન્ય કોઈ દેશમાં આવું થતું જોયું છે? શું તમે જો રૂટ અને જેક ક્રોલીના ચાહકોને લડતા જોયા છે? કે તમે જો રૂટ અને જોસ બટલરના ચાહકોને લડતા જોયા છે? આ પાગલપન છે. શું તમે ઓસ્ટ્રેલિયામાં સ્ટીવ સ્મિથ અને પેટ કમિન્સના ચાહકોને લડતા જોયા છે?

આ ક્રિકેટ છે. આ એક સિનેમા કલ્ચર છે. હું જાણું છું કે માર્કેટિંગ, પોઝિશનિંગ અને બ્રાન્ડિંગ જેવી વસ્તુઓ છે. હું તેનો ઇનકાર કરતો નથી. હું મારી બાજુથી આ બધામાં વિશ્વાસ નથી કરતો પરંતુ તેમાં સામેલ થવું પણ ખોટું નથી.” સ્પિનરે આગળ કહ્યું, ”ફેન વોરે ક્યારેય આ નકામા માર્ગ પર આગળ વધવું જોઈએ નહીં. આપણે યાદ રાખવું જોઈએ કે આ ખેલાડીઓ કયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે – આપણો દેશ. તો પછી ક્રિકેટરને ટાર્ગેટ કરવાનું શું વ્યાજબી છે?

મને એ સમજાતું નથી કે જો તમને કોઈ ખેલાડી પસંદ ન હોય અને કોઈ ખેલાડી પર નિશાન સાધે તો ટીમે શા માટે ખુલાસો આપવો જોઈએ? આપણે એવું વર્તન કરીએ છીએ કે આવું પહેલાં ક્યારેય બન્યું નથી.સૌરવ ગાંગુલી સચિન તેંડુલકરના નેતૃત્વમાં રમ્યા અને આનું વિપરીત પણ થયુ. આ બંને રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં રમી ચૂક્યા છે. આ ત્રણેય અનિલ કુંબલેના નેતૃત્વમાં રમ્યા છે અને તે બધા ધોનીના નેતૃત્વમાં રમ્યા છે. જ્યારે તેઓ ધોનીના નેતૃત્વમાં રમતા ત્યારે ત્રણેય દિગ્ગજ હતા. ધોની પણ વિરાટના નેતૃત્વમાં રમ્યો છે.

અશ્વિને ચાહકોને એકજુટ રહેવાની અને રમતનો આનંદ માણવાની સલાહ આપી હતી. તેણે કહ્યુ- “તમારી મનપસંદ રમતનો આનંદ માણો પરંતુ કોઈ ખેલાડીને નીચા પાડવાની કિંમત પર નહીં,” આ એવી વસ્તુ છે જે મને આપણા દેશમાંથી ગાયબ થતા જોવાનું ગમશે.” જણાવી દઈએ કે હાર્દિકે 2015માં MI માટે આઈપીએલ ડેબ્યૂ કર્યું હતું. તે IPL 2022 પહેલા GTમાં જોડાયો હતો. તેના નેતૃત્વ હેઠળ GT તેની પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બની હતી અને બીજા વર્ષે રનર-અપ. આ પછી હાર્દિક ગયા વર્ષે હરાજી પહેલા તેની જૂની ટીમ મુંબઈમાં પરત ફર્યો અને તેને કેપ્ટનશિપ સોંપવામાં આવી.

Shah Jina