દેશના આ બહાદુર જવાને કડકડતી ઠંડી અને બરફની વચ્ચે 40 સેકન્ડમાં કર્યા 47 પુશ-અપ્સ, વીડિયો જોઈને તમે પણ કરશો સલામ

દેશભરમાં ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે, બજારની અંદર ફરતા લોકો પણ તમને સ્વેટર વિના જોવા નહીં મળે. આ ઉપરાંત ઠંડીથી બચવા માટે પણ લોકો ઘરની અંદર અવનવા ઉપાયો કરતા હોય છે. ત્યારે આપણે રજાઈ ઓઢીને ઠંડીથી છુટકારો મેળવી લઈએ છીએ પરંતુ સરહદ ઉપર જ્યાં બરફ પડી રહ્યો હોય ત્યાં સેનાના જવાનો ખડેપગે દેશની રક્ષા કરતા હોય છે તેમની સ્થિતિ કેવી થતી હશે ?

ત્યારે હાલ બીએસએફના જવાનનો ઠંડીના મોસમમાં કસરત કરતો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ કડકડતી શિયાળામાં બરફની વચ્ચે આ જવાનને 40થી વધુ પુશ-અપ્સ પૂરા કરતા વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. હિમવર્ષા વચ્ચે આવી હિંમત દાખવવી દરેક વ્યક્તિની વાત નથી. ઘણા લોકો 10થી 20 પુશ-અપ્સ કરતા કરતા હાંફી જાય છે, પરંતુ ઊંચા પહાડ પર હિમવર્ષા દરમિયાન બરફમાં ખુલ્લા હાથે પુશ-અપ કરવું સરળ નથી.

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના સત્તાવાર ટ્વિટર પ્રોફાઇલ દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયોમાં ભારતીય જવાન સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલી જમીન પર માત્ર 40 સેકન્ડમાં 47 પુશ-અપ્સ પૂરા કરતા જોવા મળે છે. આ વીડિયોએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. બરફવાળા વિસ્તારમાં કસરત કરતા જવાનની ક્લિપ જોવી એ અવિશ્વસનીય જ નથી પણ તમને આશ્ચર્યચકિત પણ કરી શકે છે.

વીડિયોમાં સેનાનો એક જવાન સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલી જમીન પર પુશ-અપ્સ કરી રહ્યો છે. જવાને માત્ર 40 સેકન્ડમાં 47 પુશ અપ કર્યા, જેનો વીડિયોના કેપ્શનમાં ઉલ્લેખ છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ’40 સેકન્ડ, 47 પુશ અપ્સ, આગળ વધતા રહો #FitIndiaChallenge.’ તમને જણાવી દઈએ કે ફિટ ઈન્ડિયા ચેલેન્જ ભારતીય નાગરિકોને તેમના રોજિંદા જીવનમાં શારીરિક પ્રવૃત્તિઓ અને રમતગમતનો સમાવેશ કરીને સ્વસ્થ અને ફિટ રહેવા માટે પ્રોત્સાહિત કરે છે, જે ફિટ ઈન્ડિયા ચળવળનો એક ભાગ છે.

Niraj Patel