ઓકલેન્ડ દુર્ઘટનામાં મોતને ભેટેલા અંશુલની પત્ની પર તૂટ્યો દુખોનો પહાડ, માતા-પિતા બાદ હવે પતિ પણ…મૃતકોના મૃતદેહ લવાશે અમદાવાદ

ન્યુઝીલેન્ડમાં અંશુલ શાહ ગેસ સ્ટેશન પર કેશિયર હતો, દરિયામાં જીવ ગુમાવ્યો, અંશુલ શાહે બધું જ ગુમાવી દીધું જુઓ તસવીરો

ગઇકાલના રોજ એક ખૂબ જ દુખદ ખબર સામે આવી. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં આવેલ પીહા બીચ પર ફરવા ગયેલ અમદાવાદના ત્રણ મિત્રો પૈકી બે અંશુલ શાહ અને સૌરીન પટેલના મોત થયા હતા અને આ ખબર તેમના પરિવારને મળતા જ બંનેના પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે. જો કે આ ઘટના અંશુલ શાહની પત્ની માટે અત્યંત ગોઝારી સાબિત થઈ છે. કારણ કે તેણે પોતાના માતા-પિતા અને ભાઈને ગુમાવ્યા બાદ હવે પતિ પણ ગુમાવ્યો છે. બંને યુવકોના મૃતદેહ હજી અમદાવાદ આવ્યા નથી. બે મૃતકોના પરિવારજનો અનુસાર, તેમને તરતા આવડતુ નહોતુ.

ભારતના હાઈ કમિશન સેકન્ડ સેક્રેટરીએ જણાવ્યું કે બંને યુવકો અમદાવાદના હતા અને જ્યારે આ દુર્ઘટના બની ત્યારે અંશુલ શાહની પત્ની પણ ત્યાં હતી. બંને યુવકોના મિત્ર હિરેન પટેલે જણાવ્યું કે કોરોનામાં મૃતક અંશુલ શાહની પત્નીએ તેના માતા-પિતા અને ભાઈને ગુમાવ્યા હતા અને હવે તેણે પતિને ગુમાવી દીધો છે. અંશુલનો ભાઈ આ દુર્ઘટનાથી આઘાતમાં છે અને તેના માતા-પિતા વૃદ્ધ હોવાથી સમજાતું નહોતુ કે કેવી રીતે અંશુલના મોતના સમાચાર આપવા. ઉલ્લેખનીય છે કે એવું સામે આવ્યુ કે પુત્રના મોતના સમાચાર બાદ અંશુલના માતાની તબિયત ખરાબ થઈ છે.

પીહા બીચ

અંશુલ અને સૌરીનના મોત બાદ પોલીસ અને હોસ્પિટલની કાર્યવાહી હાલમાં ઓકલેન્ડ ખાતે ચાલી રહી છે અને બંનેના પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેમજ હોસ્પિટલની કાયદાકીય પ્રક્રિયા ખત્મ થયા પછી તેમના મૃતદેહને સોંપવામાં આવશે. ભારતીય હાઇ કમિશન અને કોન્સ્યુલેટ સાથે સંપર્ક કરી અને તેઓના મૃતદેહને અમદાવાદ લાવવામાં આવશે. પોલીસ અનુસાર, પીહા બીચ પર ઇમર્જન્સી ક્રૂને સાંજે 6 વાગ્યા પછી બોલાવવામાં આવ્યા.

તે બાદ બંને યુવકોને લાઇફગાર્ડ્સ દ્વારા કિનારે લાવવામાં આવ્યા પણ તેમને તાત્કાલિક તબીબી સારવાર આપવા છતાં તેઓ બચી શક્યા નહીં. સૌરીન પટેલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો, જે ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડ આવ્યો હતો, અને અંશુલ શાહ ગેસ સ્ટેશન પર કેશિયર તરીકે કામ કરતો હતો. તે નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ધરણીધર વિસ્તારમાં રહેતો અંશુલ શાહ, સૌરીન પટેલ અને અપૂર્વ મોદી ત્રણેય મિત્રો હતા. સૌરીનને અપૂર્વ સ્કૂલ સમયથી ઓળખતો અને અંશુલને પણ ઘણા વર્ષોથી તે ઓળખતો.

અંશુલ તેની પત્ની સાથે વર્કિંગ વિઝા પર ન્યૂઝીલેન્ડ ગયો હતો. અંશુલ, સૌરિન અને અપુર્વ દરિયાના પાણીમાં ગયા હતા. જ્યારે બંનેની પત્નીઓ બહાર ઉભી હતી. બહુ દૂર ગયા ન હતા અને એક બોલથી રમી રહ્યા હતા. ત્યારે અચાનક એક વિશાળ મોજું ત્રણેય પર આવ્યુ અને સૌરીને અપુર્વનો હાથ પકડી લીધો પણ અંશુલ વહી ગયો. સૌરીન અને અપૂર્વ ધીરે ધીરે દરિયા કિનારે આવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ બીજુ મોજું આવતાની સાથે જ બંને અલગ થઈ ગયા. જો કે, અપૂર્વ બહાર નીકળવામાં સફળ રહ્યો.

Shah Jina