Student Drowns While Swimming In Canada Waterfall : છેલ્લા ઘણા સમયથી ગુજરાતીઓ કે ભારતીયોની વિદેશમાંથી મોતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હાલમાં પણ એક વિદ્યાર્થીનું મોત થયુ હોવાની ખબર સામે આવી હતી. આંધ્રપ્રદેશના એક યુવકનું કેનેડામાં નિધન થયું. લેનિન નાગા કુમાર, જે આંધ્ર પ્રદેશના મછલીપટ્ટનમનો વતની હતો, તેનું કેનેડાના ઓન્ટારિયોના થંડર બેમાં મોત થયું.
લેનિન નાગા કુમાર તેના ત્રણ રૂમમેટ્સ સાથે સિલ્વર ફોલ્સ (તળાવ) માં તરવા ગયા હતા. સ્વિમિંગ દરમિયાન ડૂબી જવાથી તેનું મોત થયું હતું. નાગા કુમારના કાકા નૂતન કુમારે બુધવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે તેઓ જ્યાં રહેતા હતા ત્યાંથી સિલ્વર ફોલ્સ લગભગ 40 કિમી દૂર છે. તેના એક રૂમમેટે કહ્યું કે તે સુરક્ષિત રીતે બહાર આવી શક્યો, પરંતુ મારો ભત્રીજો પાણીમાંથી બહાર ન આવી શક્યો કારણ કે પાણી ઊંડું હતું. તેઓએ કહ્યુ કે, મારો ભત્રીજો ઓગસ્ટ 2021માં લેકહેડ યુનિવર્સિટીમાં એમએસનો અભ્યાસ કરવા માટે કેનેડા ગયો હતો.
તેણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને હવે નોકરીની શોધમાં હતો. આ મામલે મછલીપટ્ટનમના લોકસભાના સભ્ય વી બાલાશૌરીએ વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખીને વિદ્યાર્થીના મૃતદેહને ભારત પરત લાવવાની સુવિધા આપવા વિનંતી કરી છે. મૃતકે તાજેતરમાં જ તેના અંતિમ સેમેસ્ટરની પરીક્ષા આપી હતી અને તે રિઝલ્ટની રાહ જોઈ રહ્યો હતો. તેણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો હોવાથી તે નોકરીની શોધમાં પણ હતો.
મળતી માહિતી મુજબ, સોમવારે લેનિન સિલ્વર ફોલ્સ તેના મિત્રો સાથે ગયો અને લેનિનના બે મિત્રો કિનારા પર બેઠા જ્યારે તે અન્ય એક મિત્ર સાથે ફોલ્સના પ્રવાહમાં તરવા માટે ગયો. જો કે લેનિનને સ્વિમિંગ આવડતું હતું અને એક વખત તે પાણીની અંદર જઈને બહાર પણ આવ્યો. પણ જ્યારે તેણે બીજી વખત આવું કરવાનો પ્રયાસ કર્યો તો તે પાણીના પ્રવાહમાં ક્યાંક તણાઈ ગયો. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ અમેરિકામાં લેકમાં ડૂબી જવાથી બે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ ઘટના એપ્રિલમાં બની હતી.