પહેલા દિવસે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટે બગ્ગી પર સવાર થઇને મારી ધાંસુ એન્ટ્રી, મુકેશ અંબાણીની ભાવુક સ્પીચે બનાવ્યો માહોલ- રિહાનાએ ભારતમાં આપ્યુ તેનું પહેલુ પરફોર્મન્સ- જુઓ પહેલા દિવસની તસવીરો

બગ્ગીમાં આવ્યા અનંત-રાધિકા, મુકેશ અંબાણીની ભાવુક થયા,  જુઓ પાર્ટીની અંદરની ભવ્ય તસવીરો

હાલ ગુજરાતના જામનગરમાં દેશ અને દુનિયાની તમામ મોટી હસ્તીઓ એકત્ર થઈ છે અને તેનું કારણ છે એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન. અનંત જલ્દી જ તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યો છે અને અહેવાલો અનુસાર બંનેના લગ્ન 12 જુલાઇના રોજ મુંબઇમાં થવાના છે.

જો કે આ પહેલા જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ સુધી ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ સેલિબ્રેશન ચાલી રહ્યું છે. મુકેશ અંબાણીના આમંત્રણ પર અનેક મોટા ઉદ્યોગપતિઓ, ક્રિકેટરો અને બોલિવુ-હોલિવુડની જાણિતી હસ્તિઓ જામનગર પહોંચી છે. મેટાના માલિક માર્ક ઝુકરબર્ગ પત્ની સાથે માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ સહિતની મોટી હસ્તીઓએ જામનગર પધારી જામનગરની સુંદરતામાં વધારો કર્યો છે. મહેમાનોના સ્વાગતમાં ભારતીય પરંપરાની ઝલક જોવા મળી રહી છે.

અંબાણી પરિવારે ખૂબ જ ભાવુક રીતે મહેમાનોનું સ્વાગત કર્યું. ત્યારે ગત રોજ એટલે કે 1 માર્ચે પ્રી વેડિંગ ફંક્શનનો પહેલો દિવસ હતો અને આ ફંક્શનમાં મુકેશ અંબાણીએ મહેમાનોનું સ્વાગત કરતા કહ્યું, ‘અમારા આદરણીય મિત્રો અને પરિવારજનો, તમને દરેકને નમસ્કાર અને ગુડ ઇવનિંગ. ભારતીય પરંપરામાં આપણે મહેમાનોને આદરપૂર્વક અતિથિ કહીએ છીએ, ‘અતિથિ દેવો ભવ’. આનો મતલબ છે મહેમાન ભગવાન જેવા હોય છે.

મુકેશ અંબાણી આગળ કહે છે, ‘જ્યારે મેં તમને નમસ્તે કહ્યું, ત્યારે તેનો અર્થ એ હતો કે મારી અંદરના દેવતા તમારી અંદર રહેલા દેવતાને સ્વીકારીને ખુશ છે. તમે બધાએ આ લગ્નનું વાતાવરણ મંગલમય બનાવ્યું છે. આ માટે તમારો હૃદયથી ખૂબ ખૂબ આભાર ! આ દરમિયાન, અનંત અંબાણી અને તેની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ બગ્ગી પર સવાર થઈને સ્થળ પર પહોંચ્યા હતા. બંનેને જીવનની નવી ઇનિંગ માટે શુભેચ્છા પાઠવતા મુકેશ અંબાણીએ તેમના પિતાને યાદ કર્યા હતા.

તેમણે કહ્યું, ‘મને ખાતરી છે કે આજે ધીરુભાઈ ખૂબ જ ખુશ હશે, કારણ કે અમે તેમના સૌથી પ્રિય પૌત્ર અનંતના જીવનની સૌથી ખુશીની ક્ષણની ઉજવણી કરી રહ્યા છીએ, અને એ પણ જામનગરમાં.’ મુકેશ અંબાણીએ કહ્યું કે જામનગર મારું અને મારા પિતા માટે કર્મભૂમિ બની ગઇ છે, આ એક એવું સ્થાન છે જ્યાં મિશન, જુસ્સો અને ઉદેશ મળ્યો. જામનગર સાવ ઉજ્જડ જમીન હતી, ત્રીસ વર્ષ પહેલાં અહીંયા એક રેગિસ્તાન હતું. પરંતુ આજે જામનગરમાં અમે તેમના સપનાને સાકાર કરી રહ્યા છીએ.

રિલાયન્સના ઈતિહાસમાં જામનગર એક મહત્વનો વળાંક બની ગયો છે. તે એક એવી જગ્યા છે જ્યાં અમે ભાવિ વ્યવસાયો અને અનન્ય પરોપકારી પહેલો શરૂ કરીએ છીએ. મુકેશ અંબાણીના જણાવ્યા અનુસાર, તેમના પરિવારનો એકમાત્ર ઉદ્દેશ્ય ભારતની સમૃદ્ધિ વધારવાનો અને બધાની સુખાકારીમાં યોગદાન આપવાનો છે. અંબાણીએ કહ્યું, ‘સંપૂર્ણ વિનમ્રતા સાથે, હું કહું છું કે જામનગર તમને નવા ભારતના ઉદયની ઝલક આપશે જે જીવંત, આશાવાદી અને આત્મવિશ્વાસથી ભરપૂર છે.’

આ પછી મુકેશ અંબાણીએ અનંત અંબાણી વિશે ભાવનાત્મક રીતે વાત કરતા કહ્યું, ‘હું જ્યારે પણ અનંતને જોઉં છું ત્યારે મને તેનામાં મારા પિતા ધીરુભાઈ દેખાય છે. અનંત પણ મારા પિતાની જેમ વિચારે છે કે કશું જ અશક્ય નથી. આ સિવાય તેમણે કહ્યું કે સંસ્કૃતમાં અનંતનો અર્થ થાય છે… જેનો કોઈ અંત નથી. હું પણ અનંતમાં અનંત શક્તિ જોઉં છું. આ સાથે અંતમાં મુકેશ અંબાણીએ જણાવ્યું કે તમે બધા અનંત અને રાધિકાને આશીર્વાદ આપો.

જણાવી દઇએ કે, જામનગરના રિલાયન્સ ગ્રીન્સ કોમ્પ્લેક્સમાં આયોજિત સમારોહમાં મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ, માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર સહિત ઘણી હસ્તિઓ તેમના પરિવાર સાથે આવી છે. અમેરિકન સિંગર જે બ્રાઉન અને લોકપ્રિય રેપર નિકી મિનાજના મ્યુઝિક ડિરેક્ટર એડમ બ્લેકસ્ટોન પણ પ્રી વેડિંગ પાર્ટીમાં સામેલ થવા પહોંચ્યા છે. આ સિવાય લોકપ્રિય પોપ સિંગર રિહાના પણ આ ફંક્શનમાં પરફોર્મ કરવા જામનગર પહોંચી છે. શુક્રવારના રોજ રિહાનાએ ભારતમાં તેનું પહેલુ ધાંસુ પરફોર્મન્સ પણ આપ્યું હતું.

Shah Jina