રાધિકા મર્ચેંટ સાથે લગ્ન પહેલા અનંત અંબાણીએ પ્રાણીઓ માટે કર્યુ નેક કામ, જામનગરમાં પ્રી વેડિંગના થોડા-ઘણા કલાકો પહેલા જ લોન્ચ કર્યો મોટો પ્રોજેક્ટ…કહ્યુ- આ બિઝનેસ નહિ પણ સેવા છે

‘વનતારા’ પ્રોજેક્ટથી વન્ય જીવોની સેવા કરશે અનંત અંબાણી, પ્રી વેડિંગ પહેલા જામનગરમાં લોન્ચિંગ

રિલાયન્સ ફાઉન્ડેશને દેશને આપી ‘વનતારા’ ગિફ્ટ, અનંત અંબાણી બોલ્યો- પ્રાણી માટે બનશે સહારો, લગ્ન પહેલા જોવા મળ્યો દુલ્હે રાજાનો નવો અવતાર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચીફ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર હાલમાં નાના પુત્ર અનંત અંબાણીના લગ્નને લઇને હેડલાઇન્સમાં છે. અનંત અંબાણી તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ અને મંગેતર રાધિકા મર્ચેંટ સાથે જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યો છે. લગ્ન પહેલા બંનેના પ્રી-વેડિંગ ફંક્શન 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં યોજાવાના છે. આ ફંકશનમાં હાજરી આપવા માટે વિશ્વભરમાંથી ખાસ મહેમાનો આવી રહ્યા છે.

ત્યારે અનંત અંબાણીએ લગ્ન પહેલા એક નવી શરૂઆત કરી છે. પ્રી-વેડિંગ પહેલા અનંત અંબાણી એક અલગ અવતારમાં જોવા મળ્યો. અનંતે વિશ્વના સૌથી મોટા રેસ્ક્યુ સેન્ટરની શરૂઆત કરી. તેણે વન્ય પ્રાણીઓ માટે વનતારા શરૂ કર્યુ. અનંતે આ અવસર પર પત્રકારો સાથે વાત કરતી વખતે કહ્યુ કે, પ્રાણીઓની સેવા કરવાની તેને માતા નીતા અંબાણી પાસેથી શીખી છે. નીતા અંબાણીએ જામનગરમાં 1000 એકરમાં જંગલ બનાવ્યું. તેનો પાયો 1995માં નખાયો હતો. લગભગ 8 કરોડ વૃક્ષો વાવીને જંગલ તૈયાર કરવામાં આવ્યું હતું.

રિલાયન્સ ફાઉન્ડેશનની મદદથી તેમણે કોવિડ દરમિયાન વનતારાની શરૂઆત કરી. વર્ષ 2020માં ગ્રીન જૂલોજિકલ રેસ્ક્યુ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી, અહીં 3000થી વધારે લોકોને રોજગાર મળ્યો છે અને વન્ય પ્રાણીઓને જરૂરી સારવાર પણ મળી શકશે. તેણે જણાવ્યુ કે આ તેનો ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો છે. મુંગા પ્રાણીઓની સેવા કરવાની પ્રેરણા તેને તેની માતા નીતા અંબાણી પાસેથી મળી છે. તેમજ લોકોનું ભલુ કરવાની શીખ પિતા પાસેથી મળી, તેણે કહ્યુ- મારા પિતાએ દાદા ધીરૂભાઇ અંબાણીના સપનાને પૂરુ કર્યુ.

દાદા ધીરૂભાઇ અંબાણી હંમેશા લોકોની ભલાઇ વિશે વિચારતા. પિતાએ તે વિઝનને આગળ વધાર્યુ. રિલાયન્સે માત્ર સેવા માટે જ ઝૂલોજિકલ રેસ્ક્યુ સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટર શરૂ કર્યું છે. અનંત અંબાણીએ કહ્યું કે, તે બિઝનેસ માટે નહીં પરંતુ સેવા માટે શરૂ કરવામાં આવ્યું છે. વનતારા જુલોજિકલ રેસ્ક્યુ સેન્ટરમાં 200થી વધુ હાથીઓ છે. અત્યાર સુધીમાં કુલ 20 હજારથી 25 હજાર પશુઓને બચાવી લેવામાં આવ્યા છે. ત્યાં પ્રાણીઓની 100થી વધુ પ્રજાતિઓ છે. વનતારામાં અમારો ઉદ્દેશ્ય દુર્લભ પ્રજાતિઓને બચાવવાનો છે.

પ્રાણીઓને બચાવ્યા પછી તેમને ફરીથી જંગલોમાં છોડી દેવામાં આવે છે. વનતારામાં સર્જરી સેન્ટર, એમઆરઆઈ મશીનો અને સીટી સ્કેનથી લઈને આઈસીયુ અને પ્રાણીઓ માટે પ્રોસ્થેટિક્સ સુધીની સુવિધાઓ છે.અનંત અંબાણીએ જણાવ્યું હતું કે જામનગર કોમ્પ્લેક્સમાં રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપીને રિલાયન્સ 2035 સુધીમાં નેટ કાર્બન ઝીરો કંપની બનવાના તેના ઉદ્દેશ્યને હાંસલ કરવાનું લક્ષ્ય ધરાવે છે. વનતારા કાર્યક્રમ હેઠળ છેલ્લા કેટલાક વર્ષોમાં 200થી વધુ હાથી, પ્રાણીઓ, પક્ષીઓ અને સરિસૃપોને બચાવવામાં આવ્યા છે.

હવે આ કાર્યક્રમ અંતર્ગત ગેંડા, દીપડા અને મગરોને બચાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. વનતારાએ મેક્સિકો અને વેનેઝુએલામાં પણ બચાવ અભિયાન હાથ ધર્યું છે. અનંત અંબાણીએ કહ્યું કે આ મારો બાળપણનું પેશન એટલે કે જુસ્સો હતો અને હવે તે એક મિશન બની ગયુ છે. ખતરનાક પરિસ્થિતિમાં પહોંચી ગયેલા પ્રાણીઓને બચાવવા માટે અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. વનતારા પ્રોજેક્ટ હેઠળ, અમે તેમને રહેવા માટે સારી જગ્યા આપવા માંગીએ છીએ.

 

અમે ખુશ છીએ કે ભારત સહિત વિશ્વભરના ઘણા વન્યજીવ અને તબીબી નિષ્ણાતો આ કાર્યક્રમમાં જોડાયા છે. અમે ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે પણ હાથ મિલાવવા માંગીએ છીએ. અનંત અંબાણીએ જીવ સેવાને ભગવાન અને માનવતાની સેવા સમાન ગણાવી હતી. આજે વનતારામાં 200 હાથી, 300 ચિત્તા, વાઘ, સિંહ અને જગુઆર છે. સાથે 300 હરણ અને 1200થી વધુ મગર, સાપ અને કાચબા પણ છે. 3000 એકરમાં ફેલાયેલા વનતારામાં સ્ટેટ ઓફ ધ આર્ટ એલીફન્ટ સેન્ટર પણ હશે, જેમાં હાઇડ્રોથેરેપી પુલ, વોટર બોડી અને હાથીઓના આર્થરાઇટિસની સારવાર માટે જકૂજી પણ હશે.

અહીં 500 લોકોનો પ્રશિક્ષિત સ્ટાફ હાથીઓની સંભાળ લેશે. તેમાં 25 હજાર ચોરસ ફૂટની હોસ્પિટલ પણ હશે, જેમાં તમામ પ્રકારના આધુનિક સાધનો હશે. અહીં હાથીઓ પર સર્જરી પણ કરી શકાશે. એલિફન્ટ સેન્ટરમાં 14 હજાર ચોરસ ફૂટનું કિચન પણ હશે. કેન્દ્રમાં આયુર્વેદનો ઉપયોગ પણ કરવામાં આવશે. વનતારા પ્રોગ્રામ હેઠળ 650 એકરમાં બચાવ અને પુનર્વસન કેન્દ્ર પણ છે. કેન્દ્રએ 200 જેટલા ઘાયલ દીપડાઓને બચાવ્યા છે. આ ઉપરાંત 1000થી વધુ મગરોને પણ બચાવી લેવાયા છે. તેમને આફ્રિકા, સ્લોવાકિયા અને મેક્સિકોમાંથી બચાવી લેવામાં આવ્યા છે.

સર્કસ અને ઝૂમાંથી લાવવામાં આવેલા પ્રાણીઓને તેમાં રાખવામાં આવશે. આ કેન્દ્રમાં 2100 થી વધુ સ્ટાફ છે. આ સેન્ટરમાં 1 લાખ ચોરસ ફૂટની હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ હોસ્પિટલ પણ છે. આવી 7 પ્રજાતિઓ છે જે ખતરાના નિશાન પર પહોંચી ગઈ છે.રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણી છે. આ સંસ્થા ગ્રામીણ વિસ્તારોના વિકાસ, શિક્ષણ, આરોગ્ય, રમતગમત, આપત્તિ વ્યવસ્થાપન, મહિલા ઉત્થાન, કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. અત્યાર સુધી સંસ્થાએ 55400 ગામડાઓમાં 72 લાખ લોકોના ઉત્થાન માટે કામ કર્યું છે.

Shah Jina