આણંદમાં રક્ષાબંધન પહેલા જ ભાઈએ ગુમાવી બહેન, ફોન ઉપર છેલ્લી વખત ભાઈ સાથે કર્યું પોતાનું દુઃખ

સાસરીયામાં આવું થયું તો ભાઈની લાડલી બહેને મોતને વ્હાલુ કર્યું, તમારી આંખો થઇ જશે ભીની

મહિલાઓ સાથે શારીરિક અને માનસિક ત્રાસ ના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે., ઘણી મહિલાઓને સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવે છે અને આ ત્રાસથી કંટાળીને ઘણી મહિલાઓ સમય કરતા પહેલા મોતને વહાલું કરતી હોય છે. આવી ઘટનાઓ સાંભળીને કોઈનું પણ હૃદય કંપી ઉઠે.

ત્યારે એવી જ એક ઘટના હાલ આણંદ જિલ્લામાં આવેલા ઉમરેઠ તાલુકાના થામણા ગામમાંથી સામે આવી છે. જ્યાં રક્ષાબંધન પહેલા જ એક બહેને સાસરિયાના ત્રાસથી ત્રાસી જઈને પોતાના ભાઈ સાથે છેલ્લી વાર ફોન ઉપર વાત કરીને ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ફોન ઉપર ભાઈ બહેનની હિંમત વધારતો રહ્યો પરંતુ આખરે બહેન હિંમત હારી ગઈ અને મોતને વહાલું કરી લીધું.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર વર્ષ 2012માં મૂળ પંચમહાલ અને હાલ કપડવંજ ખાતે રહેતી પ્રવીણાના લગ્ન ઉમરેઠ તાલુકાના થામણા ગમે રહેતા મુકેશ ગોહેલ સાથે કરવામાં આવ્યા હતા. પરણીતાને બે બાળકો પણ હતા. લગ્નના એક જ વર્ષમાં પ્રવીણાને તેના સાસુ સસરા અને પતિ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેનો પતિ તેને ઢોર મારતો હોવા છતાં પણ મૂંગા મોઢે તે બધું સહન કરી રહી હતી.

પરણીતાએ પોતાનું જીવન ટૂંકાવતા પહેલા તેના ભાઈને છેલ્લીવાર ફોન કર્યો હતો.જેમાં તેને તેના સાસરિયા દ્વારા આપવામાં આવતા ત્રાસની પણ વાત જણાવી હતી. ભાઈએ તેની બહેનને લેવા માટે આવવાનું પણ જણાવ્યું હતું. ત્યારે બહેને એમ પણ કહ્યું હતું કે તું એકલો ના આવતો તને આ લોકો મારશે. મહિલાએ એમ પણ જણાવ્યું હતું કે તેઓ વાળ પકડીને માર મારે છે. હું મરી જઈશ ત્યાં સુધી આ લોકો મને નહીં છોડે. મને મરી જવા દે”

ત્યારે બહેનની વાત સાંભળીને ભાઈએ ત્યાં આવવાની પણ વાત જણાવી હતી પરંતુ ભાઈ બહેનના ઘરે પહોંચે એ પહેલા જ બહેને મોતને વહાલું કરી લીધું હતું. જે અંગેની ફરિયાદ ભાઈએ ઉમરેઠ પોલીસ મથકમાં નોંધાવી હતી. ઉમરેઠ પોલીસે પતિ, સાસુ, સસરા વિરૂધ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે.

Niraj Patel