બર્થ ડે સ્પેશિયલ સ્ટોરી : જાણો શા કારણે ભારતના જેમ્સ બોન્ડ કહેવામાં આવે છે અજિત ડોભાલને ? તેમની બહાદુરીના કિસ્સા જાણીને આંખો અંજાઈ જશે

ભારતે પાકિસ્તાનમાં કરેલી સર્જીકલ સ્ટ્રાઇક બાદ એક નામ દેશની સામે આવ્યું અને આખો દેશ તેમના ઉપર ગર્વ કરવા લાગ્યો, એ નામ હતું NSA અજિત ડોભાલનું. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તેમના જીવનમાં ઘણા બધા એવા કારનામા કરી ચુક્યા છે જેના કારણે પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ પણ નાકામ બની ગયા.

એનએસએ રહેવા દરમિયાન અજિત ડોભાલે પાકિસ્તાનને ઘણીવાર ઊંડા ઘા પણ પહોંચાડ્યા છે. ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં જન્મેલા અજિત ડોભાલ 1968 બેચના આઇપીએસ અધિકારી છે. લાંબા સમય સુધી પોલીસ સેવામાં રહેવાની સાથે ડોભાલે ઘણા દેશોમાં ભારત માટે જાસૂસ તરીકે લાંબો સમય વિતાવ્યો છે.

ડોભાલ 7 વર્ષ સુધી પાકિસ્તાનમાં ભારતના ગુપ્ત જાસૂસ હતા. પાકિસ્તાનમાં રહેતી વખતે તેમણે પોતાની જાતને એક મુસ્લિમ વ્યક્તિ તરીકે ઢાળી અને ક્યારેય કોઈને ખબર ન પડી કે તે હિંદુ છે. પણ એક વાર તેમનો ભેદ ખુલ્લો પડી ગયો. ડોભાલ પાકિસ્તાનના લાહોરમાં રહેતા હતા. લાહોરમાં જ ઓલિયાની વિશાળ કબર છે.

ત્યાં એક વાર એક માણસ જે પોતે લાંબી દાઢી ધરાવતો હતો અને સંપૂર્ણ મુસ્લિમ પોશાકમાં હતો. તેમણે તેમને રોક્યા અને કહ્યું કે તમે હિન્દુ છો. ડોભાલે સ્પષ્ટ ના પાડી. તે વ્યક્તિએ ફરીથી કહ્યું કે તમે જૂઠું બોલો છો, તમારા કાન વીંધેલા છે અને ફક્ત હિન્દુ જ કાન વીંધે છે. ડોભાલે પોતાનો બચાવ કર્યો અને કહ્યું કે તેમણે પછીથી મુસ્લિમ ધર્મ અપનાવ્યો.

જેના બાદ તે વ્યક્તિએ કહ્યું કે તમે ખોટું બોલી રહ્યા છો અને હું આવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે હું પોતે હિન્દુ છું અને મારી ઓળખ છુપાવીને અહીં રહું છું. તે વ્યક્તિએ ડોભાલને તેના કાનની પ્લાસ્ટિક સર્જરી કરાવવાનું સૂચન કર્યું. જોકે બાદમાં ડોભાલે તેમના કાનનું ઓપરેશન કરાવ્યું હતું.

ડોભાલને 90ના દાયકામાં કાશ્મીર પણ મોકલવામાં આવ્યા હતા. તેઓએ ત્યાં આતંકવાદીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો અને આતંકવાદી ગતિવિધિઓ પર રોક લગાવી. ડોભાલને તેમની મહેનતનું ફળ ત્યારે મળ્યું જ્યારે વર્ષ 1996માં જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીનો રસ્તો સાફ થઈ ગયો.

1984માં અમૃતસરમાં સુવર્ણ મંદિર પર થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં શરૂ થયેલા ઓપરેશન બ્લુ સ્ટારમાં પણ ડોભાલે મોટી ભૂમિકા ભજવી હતી. તે મંદિરમાં રિક્ષાચાલક તરીકે દાખલ થયા હતા અને તેમણે ઘણી બધી બાતમી એકઠી કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલી માહિતીની મદદથી ભારતીય સેનાને ઓપરેશનમાં મોટી સફળતા મળી હતી.

આ સિવાય તેમણે 2015માં મણિપુરમાં ભારતીય સેના પર થયેલા હુમલા બાદ મ્યાનમાર સરહદમાં ઘૂસીને આતંકવાદીઓને ખતમ કરવા માટે હાથ ધરાયેલા ઓપરેશનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.  વર્ષ 2016માં જ્યારે ઉરીમાં ભારતીય સેનાના કેમ્પ પર હુમલો થયો હતો અને 2019માં જ્યારે પાકિસ્તાની આતંકવાદીઓએ પુલવામામાં CRPFના કાફલાને નિશાન બનાવ્યું હતું. તેના જવાબમાં જ્યારે ભારતીય સેનાએ હવાઈ હુમલો કર્યો ત્યારે ડોભાલે પણ આ મિશનને સફળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આજે પાકિસ્તાનમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈકને પાંચ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. ભારતે 28-29 સપ્ટેમ્બર, 2016ની રાત્રે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો. આ ઓપરેશનના માસ્ટર માઈન્ડ NSA અજીત ડોભાલ હતા. જેના કારણે તેમને ભારતના જેમ્સ બોન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Niraj Patel