ભારત સામેની જે મેચમાં 10 વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો એ મેચની જર્સીની હરાજી કરી રહ્યો છે એજાઝ પટેલ, કારણ જાણીને સલામ કરશો

ન્યુઝીલેન્ડના સ્પિનર ​​એજાઝ પટેલે ગયા વર્ષે ડિસેમ્બર 2021માં મુંબઈ ટેસ્ટ મેચમાં ભારત સામેના પ્રથમ દાવમાં 10 વિકેટ લઈને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. તે જિમ લેકર અને અનિલ કુંબલે પછી એક ઇનિંગમાં 10 બેટ્સમેનોને આઉટ કરનાર વિશ્વનો ત્રીજો બોલર બન્યો હતો.

હવે ભારતીય મૂળના આ કિવી ખેલાડીએ દિલ જીતી લેનારું પગલું ભર્યું છે. એજાઝ પટેલે મુંબઈમાં ઐતિહાસિક ટેસ્ટ મેચમાં પહેરેલી ટી શર્ટની હરાજી ચિલ્ડ્રન્સ હોસ્પિટલ માટે કરવાનો નિર્ણય લીધો છે. આ જર્સીની હરાજી 6 મેથી શરૂ થશે અને 11 મે સુધી ચાલશે. એજાઝને આશા છે કે હરાજીમાંથી એકત્ર થયેલા પૈસા ન્યુઝીલેન્ડના સ્ટૌરશિપ ફાઉન્ડેશન હેઠળ ચાલતી હોસ્પિટલને મદદ કરશે.

ટી-શર્ટ પર ભારતનો પ્રવાસ કરી રહેલી ટેસ્ટ ટીમના ખેલાડીઓની સહી છે. એજાઝ પટેલે આ અંગેની એક પોસ્ટ તેના સોશિયલ મીડિયામાં કરી છે, તેને પોસ્ટની સાથે લખ્યું છે, “મારી પત્ની અને મેં ગયા વર્ષે અમારી પુત્રી સાથે સ્ટારશિપ હોસ્પિટલમાં થોડા દિવસો વિતાવ્યા હતા. તે એક ચિંતાજનક સમય હતો, પરંતુ અહીં એ સમજવું છે કે આ હોસ્પિટલમાં રોકાવા માટે અમે કેટલા નસીબદાર હતા. તે અમારા માટે અદ્ભુત હતું અને અમે તેમના માટે કંઈક કરવા માંગીએ છીએ. આ એક રીત છે (જર્સીની હરાજી) અમે તેમને મદદ કરી શકીએ છીએ.

જ્યારે એજાઝે આ સિદ્ધિ હાંસલ કરી ત્યારે વાનખેડે સ્ટેડિયમમાં બધાએ ઉભા થઈને અભિવાદન કર્યું હતું. જ્યારે ડ્રેસિંગ રૂમમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ તેને અભિનંદન પાઠવ્યા હતા. રમતના છેલ્લા દિવસે ભારતીય સ્પિનર ​​અશ્વિને તેને તેના હસ્તાક્ષરવાળી ટી-શર્ટ આપી હતી. એજાઝે ભારત સામેની મેચમાં 14 વિકેટ ઝડપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ajaz Patel (@ajazpatel)

ખાસ વાત એ છે કે એજાઝ પટેલ એ ટેસ્ટ બાદ ન્યૂઝીલેન્ડ માટે એક પણ મેચ રમ્યો નથી, પરંતુ તેની પસંદગી આવતા મહિને ઈંગ્લેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી માટે કરવામાં આવી છે. એજાઝ પટેલે અત્યાર સુધી 11 ટેસ્ટ મેચમાં 27.13ની એવરેજથી 43 વિકેટ ઝડપી છે. આ સાથે જ T20 ઈન્ટરનેશનલમાં તેના નામે 11 વિકેટનો રેકોર્ડ છે.

Niraj Patel