યુક્રેનમાં ફસાયેલા દીકરાનું મોઢું જોવા માટે તરસી રહી છે અમદાવાદના માતા-પિતાની આંખો, નોકરી માટે ગયો હતો અને યુદ્ધમાં ફસાયો

આજે નવમા દિવસે પણ રશિયા અને યુક્રેન વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલુ છે અને હવે તો પરિસ્થિતિ વધારે ગંભીર બની રહી છે, આ યુદ્ઘની અંદર ઘણા ભારતીયો પણ યુક્રેનમાં ફસાયા છે, જેમને બહાર કાઢવા માટે ભારત સરકાર દ્વારા મિશન ગંગા પણ શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ઘણા ભારતીયોને બચાવી પણ લેવામાં આવ્યા છે અને તેમની વતન વાપસી પણ થઇ ચુકી છે.

યુક્રેનની અંદર મોટાભાગના વિધાર્થીઓ ફસાયા હતા, જે મેડિકલનો અભ્યાસ કરવા માટે યુક્રેન ગયા હતા, તો યુક્રેનમાં ઘણા લોકો નોકરી માટે પણ ગયા હતા, ત્યારે હાલ એવા જ એક અમદાવાદના યુવકની પણ વ્યથા સામે આવી છે, જે નોકરી કરવા માટે યુક્રેન ગયો હતો પરંતુ ત્યાં અચાનક યુદ્ધ ફાટી નીકળવાના કારણે તે ત્યાંજ ફસાઈ ગયો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની અંદર આવેલા પાલડી વિસ્તારના મોટા ઠાકોરવાસમાં રહેતા જતીનભાઈનો દીકરો અનિકેત યુક્રેનમાં નોકરી કરવા માટે ગયો હતો, પરંતુ યુદ્ધમાં તે પણ ફસાઈ ગયો. હાલ તે ગમે તેમ કરીને પોલેન્ડ આવી પહોંચ્યો છે. અનિકેત છેલ્લા બે દિવસથી પોલેન્ડના વર્સોવામાં એક ગુજરાતી પેલેસમાં રોકાયો છે. હાલ તો તે એ જગ્યા ઉપર સુરક્ષિત છે પરંતુ તેની વતન વાપસી ક્યારે થશે અને અમદાવાદમાં તે તેના પરિવાર સાથે ક્યારે મળી શકશે તે કઈ નક્કી નથી.

અનિકેતના પિતાના જણાવ્યા અનુસાર તેમનો દીકરો ચાર મહિના પહેલા યુક્રેનમાં ગયો હતો, જ્યાં તે કિવની એક કંપનીના પેકેજીંગ વિભાગમાં કામ કરતો હતો. પરંતુ કામ ચાલુ થયાના થોડા જ સમયમાં યુક્રેનમાં યુદ્ધ ફાટી નીકળ્યું. અનિકેત યુદ્ધ વચ્ચે જયારે તેના પરિવાર સાથે વીડિયો કોલના માધ્યમથી વાત કરતો ત્યારે જણાવતો કે ચારેય બાજુ બોમ વરસી રહ્યા છે.  માટે તે બંકરમાં રહેતો હતો.

અનિકેતનીહાલત જોઈને અમદાવાદમાં રહેલો તેનો પરિવાર પણ ચિંતાતુર બન્યો હતો. અનિકેત જેમતેમ કરીને કવિથી લેવિયા ગયો અને ત્યાંથી યુક્રેન બોર્ડર  પહોંચવા માટે તેની પાસે પૈસા ખૂટી જતા તેને ચાલીને જ 20 કિલોમીટરની સફર ખેડી હતી. પરંતુ પોલેન્ડ બોર્ડર ઉપર પહોંચીને પણ તેની મુશ્કેલીનો અંત ના આવ્યો. તેની પાસે પાસપોર્ટ નહિ હોવાના કારણે તેને કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યો હતો.

ત્યારે અનિકેતના પરિવારને મળવા માટે પણ ભાજપના અગ્રણી નેતાઓ તેમના ઘરે પહોંચ્યા હતા અને અનિકેતના પરિવારને સાંત્વના આપી હતી અને તેમનો દીકરો હેમખેમ પાછો લઇ  હૈયાધારણા પણ બંધાવી હતી. હાલ તો અનિકેત પોલેન્ડમાં છે અને તેના પરિવારજનો પણ તેના જલ્દી ઘર પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.

Niraj Patel