આણંદમાં ઢોરને લીધે એકમાત્ર કમાનારા સભ્યનું મોત થતાં પત્ની, માતા અને 10 વર્ષનો દીકરો નોંધારા બન્યાં, કુણાલ પટેલ 5 લોકોને નવી જિંદગી આપતા ગયા
આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અંગદાનને લઈને જાગૃતિ આવી છે. અકસ્માતમાં કે અન્ય કોઈ કારણોસર બ્રેઇનડેડ થયેલા વ્યક્તિના પરિવારજનો અંગદાન અંગેનો નિર્ણય લે છે અને જેના કારણે કેટલાય વ્યક્તિઓને નવજીવન પણ મળતું હોય છે. કેટલાક લોકો એવું માનતા હોય છે કે મોત બાદ શરીર કોઈ કામનું નથી રહેતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અંગદાનને લઈને લોકોમાં જાગૃતિ આવેલી જોવા મળી રહી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયમાં અંગદાનના ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે,
ત્યારે હાલ ફરી એકવાર અંગદાનનો કિસ્સો સામે આવ્યો છે, જે અમદાવાદનો છે. અમદાવાદનો કુણાલ પટેલ 2 ઓક્ટોબરના રોજ આણંદથી પરત ફરી રહ્યો હતો, આ દરમિયાવ બાઈક રસ્તા પર રખડતા ઢોર સાથે અથડાઇ અને જેને કારણે તેને બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું. જે બાદ કુણાલ પટેલને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો, પરંતુ ડૉક્ટરોએ ગત મંગળવારે જ તેને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. કુણાલ પટેલના બચવાની કોઈ શક્યતા ના જણાતા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવાયો હતો.
પરિવારજનોએ પોતાના આટલા મોટા દુખ વચ્ચે પણ અંગદાન માટે સહમતિ આપી હતી. ઉલ્લેખનીય છે કે, 4 ઓક્ટોબરના રોજ હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર્સની ટીમ દ્વારા કુનાલ પટેલના પત્ની અને ભાઇ અશોકભાઇ પટેલને અંગદાન કરવા માટે સમજાવવામાં આવ્યા અને પરિવાર પણ અંગદાન માટે તૈયાર થઇ ગયો.ભાઇ અનુસાર, કુણાલ ભાઇના પિતાનું નિધન થતાં તેમના પણ અંગોનું દાન કરવામાં આવ્યું હતું.

કુણાલ પટેલની બે કિડની વડોદરા સ્ટર્લિંગ હોસ્પિટલમાં જ પ્રત્યાર્પિત કરવામાં આવી, ફેફસા મુંબઇની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ, લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. જો કે તેમના હ્રદયનું દાન શક્ય બન્યું નથી. ચાર લોકોને નવજીવન આપનાર કુનાલ પટેલ પત્ની અને દસ વર્ષના પુત્રને મુકી અનંતની વાટે ગયા છે. જણાવી દઇએ કે, મૃતકની સર્જરી કરવામાં આવી હતી, પરંતુ મગજને થયેલી ઈજા ગંભીર હોવાને કારણે તેમનો જીવ બચાવી શકાયો નહોતો.