અમદાવાદના ગોતામાં મોડી રાત્રે ભીષણ આગ, પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા ચારથી પાંચ જેટલા ગોડાઉન બળીને ખાક

ગુજરાતમાંથી ઘણીવાર આગના કિસ્સા સામે આવે છે, જેમાં જાનહાનિ અને માલને નુકશાન થવાની ખબર સામે આવતી રહે છે. ત્યારે હાલમાં ગત મોડી રાત્રે અમદાવાદના ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક યુનિવર્સિટી નજીક આવેલ ચેહર એસ્ટેટમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી અને આ વિકરાળ આગમાં ચારથી પાંચ જેટલા ગોડાઉન બળીને ખાક થઈ ગયા હોવાની ખબર છે.

ઘટનાની માહિતી મળતા જ ફાયરબ્રિગેડની 26 જેટલી ગાડીઓ દ્વારા આખી રાત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાઇ હતી. ગોડાઉનમાં મોડીરાત્રે લાગેલી આગ વહેલી સવાર સુધી ભભૂકી રહી હતી. અમદાવાદ ફાયર બ્રિગેડને મોડીરાત્રે 1.30 વાગ્યે કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો હતો.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક યુનિવર્સિટી નજીક આવેલા એસ્ટેટમાં આગ લાગી હોવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમો રવાના કરવામાં આવી હતી. ચેહર એસ્ટેટના પ્લાસ્ટિકના એક ગોડાઉનમાં આગ શરૂ થઈ અને જોત જોતામાં દસ મિનિટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું.

થોડીવારમાં જ આખું ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું અને આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડા અને આગની જ્વાળાઓ દેખાતી હતી. ફાયર બ્રિગેડની ટીમ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી. ફાયર બ્રિગેડની એક બાદ એક એમ 26 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા.

જો કે પ્લાસ્ટિકના ગોડાઉનને કારણે આગ ઝડપથી પકડાઇ અને એક બાદ એક એમ ચારથી પાંચ ગોડાઉનમાં આગ ફેલાઈ ગઈ. જો કે, 6 કલાકની ભારે જહેમત બાદ વહેલી સવારે 7:30 વાગ્યે આગ કાબૂમાં લેવામાં આવી. આગને કારણે મોટું નુકસાન થયું હોવાની ખબર છે. એસ્ટેટમાં માત્ર ફાયર એક્ઝિગ્યુશન જ હતાં અને અન્ય કોઈ ફાયર સિસ્ટમ ન હોવાનું કહેવાઇ રહ્યુ છે.

Shah Jina