ગુજરાતમાં હાલ ચોમાસાની સિઝન જામી છે. અમદાવાદમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. તો બીજી બાજુ અમદાવાદમાં ભુવા પડવાની ઘટનાનો પણ સિલસિલો યથાવત છે. ફતેવાડીમાં મસમૂટો ભૂવો પડતા એક ડમ્પર ફસાઇ ગયું અને આ દુર્ઘટના સોમવારે મોડી રાત્રે બની હતી. સવેરા હોટલ પાસેના રોડ પર મોડી રાતે એક મસમોટો ભુવો પડ્યો, જેમાં વિશાળ ડમ્પર ગરકાવ થઇ ગયુ.
એવી ચર્ચા લોકો વચ્ચે ચાલી રહી છે કે જો આટલું મોટું ડમ્પર ભુવામાં ફસાઇ શકે તો નાના વાહનોની તો શું વિશાત ? ત્યારે હવે રસ્તા પર વાહન ચલાવવામાં પણ ધ્યાન રાખવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. અત્યાર સુધીમાં શહેરમાં 70થી વધુ નાના મોટા ભૂવા પડી ચૂક્યા છે અને આ ચિંતાનો વિષય છે. અમદાવાદ ફરી એકવાર ભૂવાનગરી બની ગયું છે.
વર્ષો જૂની ગટર લાઈનો અને માટીના પોલાણના કારણે ભૂવા પડવાની સ્થિતિ થઈ રહી છે. ત્યારે દિવસેને દિવસે ભૂવા પડવાની જે ઘટના સામે આવી રહી છે તેને કારણે હવે નાગરિકોમાં પણ ડરનો માહોલ છે. સરખેજમાં આવેલા ફતેવાડીમાં સવેરા હોટલ પાસે મોડી રાત્રે મોટો ભૂવો પડતા રોડ ઉપરથી પસાર થઈ રહેલુ ડમ્પરનું અચાનક જ પાછળનું આખું ટાયર ગરકાવ થઈ ગયું,
તેને કારણે ડમ્પર પલટી જતા આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા. સરખેજમાં આ ત્રીજો મોટો ભૂવો પડ્યો છે. આ પહેલા મકતમપુરા પાસે પણ બે મોટા ભૂવા પડી ચૂક્યા છે. જો કે, રાહતની વાત તો એ છે કે ભુવો પડવાની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.