અમદાવાદ લિફ્ટ દુર્ઘટનામાં પરિવારે ગુમાવ્યા 20 વર્ષના બે જુવાનજોધ દીકરા, પિતા કેમેરા સામે બોલતા બોલતા ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા

આજે અમદાવાદમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી. ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલ એસ્પાયર 2 બિલ્ડીંગમાં બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે આજે સવારે 9.30 વાગ્યા આસપાસ લિફ્ટ તૂટતા કામ કરી રહેલા 8 મજૂરો દટાયા હતા અને તેમાંથી 7ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જો કે બિલ્ડીંગના માલિકોએ ફાયર વિભાગ કે પછી પોલીસને જાણકારી આપી ન હતી. ફાયર વિભાગને તો મીડિયા મારફતે જાણકારી મળી હતી અને તે બાદ તેઓ ત્યાં પહોંચ્યા હતા.

3 કલાક વિતી ગયા બાદ ફાયર વિભાગની ટીમ પહોંચી હતી.ઉલ્લેખનીય છે કે, જે શ્રમિકોના આ દુર્ઘટનામાં મોત થયા છે તેમાં એક પરિવારે આ દુર્ઘટનામાં દીકરો અને ભત્રીજો ગુમાવ્યો છે. પરિવારમાં એક જ ઝાટકે બે જુવાનજોધ 20 વર્ષના દીકરાઓનું મોત થતા આભ તુટી પડ્યુ છે. મૃતકો સંજયભાઈ બાબુભાઇ નાયક અને અશ્વિનભાઈ સોમાભાઈ નાયક એક જ પરિવારના દીકરા છે.

બંનેની ઉંમર 20-20 વર્ષની હતી.મૃતકોમાં 4 પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના વાવ ગામના તો 2 મૃતકો દેવગઢ બારીયાના વિરોલ ગામના હતા. તમામ શ્રમિકો કન્સ્ટ્રક્શનનું કામ કરી રોજગારી માટે અમદાવાદ આવ્યા આવ્યા હોવાનું સામે આવ્યુ હતુ.આ દુર્ઘટના મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું હતુ.

તેમણે ટ્વીટ કરીને લખ્યુ- અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડીંગની દુર્ઘટના દુઃખદ છે. આ દુર્ઘટનામાં જેણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું આશા રાખું છું કે ઘાયલ જલ્દી સ્વસ્થ થઈ જાય. સ્થાનિક સત્તાવાળાઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.લિફ્ટ પડવાની દુર્ઘટનામાં પોલીસ 7 મજૂરોના મોત મામલે ગુનો દાખલ કરશે. મૃતક સંજય નાયકના પિતા કહે છે કે તેમનો દીકરો 20 વર્ષનો છે અને તે અહીં કામ માટે આવ્યો હતો અને તેમના બીજો પણ દીકરો છે જે ખેતીવાડી કરે છે,

આ ઉપરાંત તેમના ભત્રીજા અશ્લિન નાયકે પણ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. તેઓને જ્યારે સેફ્ટી વિશે પૂછવામાં આવ્યુ તો તેઓએ કહ્યુકે, આમ તો સેફ્ટી આપવામાં આવે છે પરંતુ આજે જ આપવામાં આવ્યા નહોતા. તેઓએ કહ્યુ કે, સંજય તેમનો સૌથી નાનો દીકરો હતો. તેઓ દેવગઢ બારિયાથી આવ્યા છે અને તેઓ અહીં ડોઢ-બે મહિનાથી કામ કરતા હતા તે પણ તેમણે જણાવ્યુ હતુ.

આ ઘટનામાં એ વાત સામે આવી છે કે, એડોર ગ્રૂપની એક ઈમારતમાં પાંચ વર્ષ પહેલા પણ દુર્ઘટના સર્જાઇ હતી અને તેમાં 3 મજૂરોના મોત પણ નિપજ્યા હતા. નહેરુનગરમાં ક્લાઉડ-9 નામની બિલ્ડીંગમાં કામ ચાલી રહ્યુ હતું ત્યારે ઘટના બની હતી. ત્યારે આજે ફરી એકવાર એડોર ગ્રુપની સાઇટમાં જ લિફ્ટ તૂટવાની દુર્ઘટના બની અને તેમાં 7 શ્રમિકોના મોત નિપજ્યા.

Shah Jina