અમદાવાદમાં થોડા સમય પહેલા જ ઇસ્કોન બ્રિજ પર હિટ એન્ડ રનની ચકચારી ઘટના બની હતી, ત્યારે હાલમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના અમદાવાદના સિંધુ ભવન રોડ પરથી સામે આવી છે. થાર લઇને નીકળેલા એક નબીરાએ પૂરપાટ ગતિએ કાર હંકારી એક બાઇક સવાર 18 વર્ષિય યુવકને કચડી નાખ્યો.
આ હિટ એન્ડ રનની ઘટનામાં જયદીપ સોલંકી નામના યુવકનું મોત થયુ છે. જો કે, અકસ્માતની ઘટના બાદ થાર કારનો ચાલક ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે. શુક્રવારે રાત્રે જયદીપ સોલંકી તેના મિત્રો સાથે નીકળ્યો હતો અને આ દરમિયાન થાર કારે તેને અડફેટે લીધો. થાર અને બાઈકની ટક્કર થતા જયદીપ 50 ફૂટ જેટલો હવામાં ફંગાળાયો હોવાની માહિતી સામે આવી છે.
જો કે, ગંભીર રીતે ઘાયલ થયેલ જયદીપનું મોત થતા ચકચારી મચી ગઇ હતી. અકસ્માત બાદ આસપાસ લોકો એકઠા થઈ ગયા હતા અને જયદીપ સોલંકીની મદદ માટે પણ આવ્યા હતા, પરંતુ અફસોસ કે તેનો જીવ બચાવી શકાયો નહિ. હાલ તો પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.