અમદાવાદના રહેણાંક વિસ્તારમાં આવેલ ACના ગોડાઉનમાં ફાટ્યા બાટલા, સોસાયટીની ફરિયાદ છત્તાં પણ ના કરાઇ કાર્યવાહી

અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે ભયંકર આગનો બનાવ બન્યો. સોસાયટીમાં આવેલ ACના ગોડાઉનમાં આગ લાગવાને કારણે ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી, આ ઘટનામાં 2 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્ઞાનદા સોસાયટીમાં રહેણાંક મકાનમાં ACની ગેસની બોટલોમાં આગ લાગવાને કારણે અફરાતફરી મચી ગઇ હતી. મકાનમાં મોટા પ્રમાણમાં ACના ગેસના બાટલા હોવાને કારણે એક બાદ એક બ્લાસ્ટ થતા ડરનો માહોલ છવાઇ ગયો હતો.

આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. આગની આ ઘટનામાં આસપાસના અન્ય મકાનો અને પાર્ક કરેલ વાહનો પણ ચપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક અમદાવાદના અલગ અલગ ફાયર સ્ટેશનની ટીમો પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય પણ ઘટનાને પગલે દોડી ગયા હતા. આ આગની ઘટનામાં માતા-પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેને કારણે બંનેના મોત નિપજ્યા. પોલીસ પણ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

આગની ઘટનામાં મકાન માલિક અને AMCની બેદરકારી સામે આવી છે. સોસાયટીના રહીશોએ એકાદ વર્ષ પહેલા રહેણાંક મકાનનો જે રીતે ઉપયોગ થતો હતો તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને મકાન માલિકને નોટિસ પણ આપી હતી. AMCને પત્ર લખીને પણ જાણ કરવામાં આવી હતી જો કે કોઇ કાર્યવાહી ન થઇ હોવાનું સામે આવ્યુ છે.

જ્ઞાનદા સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ મકાન માલિક જગદીશભાઈ મેઘાણીને એક વર્ષ પહેલા સોસાયટીના લેટરપેડ પર નોટિસ પાઠવી હતી કે આપના બંગલાના કમ્પાઉન્ડમાં અથવા તો બહાર કે ધાબા પર કોઈ વસ્તુ મૂકશો નહીં એર કન્ડિશનનો અલગ અલગ સામાન અને રૂમ મટીરીયલ સપ્લાયનું કામકાજ કરો છો એસી ગેસના બાટલા પણ તમે કમ્પાઉન્ડમાં મૂકો છો જેથી આગ લાગવાની સંભાવના રહે છે. તો આજુબાજુના રહેવાસીઓ અને લોકોને તકલીફ ન પડે તેના માટે તાત્કાલિક ધોરણે કમ્પાઉન્ડમાં પડેલો સામાન હટાવી લેવો.

આ ઉપરાંત એવો પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કોઈ અગમ્ય ઘટના બનશે તો તેના માટે તમે જવાબદાર રહેશો. સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનરને 5 માર્ચ 2024ના રોજ પત્ર લખી જાણ કરી હતી. જો કે તેમ છત્તાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, જીવરાજ પાર્ક પાસે આવેલ જ્ઞાનદા સોસાયટીમાં વનસ્થલી નામનું મકાન આવેલું હતું અને મકાન માલિક પોતે એર કન્ડિશનનો વ્યવસાય કરે છે. એર કન્ડિશનનો વ્યવસાય કરતા હોવાના કારણે તેમના ઘરમાં એસીનો સામાન પડ્યો હતો. અંદાજે 2000થી વધારે નાના બાટલા અને કોપરના વાયર ઘરમાં રાખ્યા હતા.

Previous Article

અમદાવાદમાં ભયંકર ઘટના ! ACના ગોડાઉનમાં આગ લાગતા સગર્ભા અને તેના 2 વર્ષના પુત્રનું મોત, ફાયરકર્મી માસૂમને છાતીએ વળગાળી 108 સુધી પહોંચ્યો પણ...

Next Article

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ લાદવાથી આ શેરમાં કડાકો, 2 દિવસમાં 25% ભાવ ઘટ્યો...જલ્દી જુઓ તમારી જોડે તો આ છે નથી ને ક્યાંક....

error: Protected Content!