થારચાલકે નશામાં અકસ્માત કર્યો, પબ્લિક ‘ભાનમાં’ લાવી:હિમાલયા મોલ પાસે નબીરો છરો કાઢી લોકોને મારવા દોડતાં લોકોએ ધોલાઈ કરી; 3 કાર-ટૂવ્હીલરને અડફેટે લેતાં 8ને ઈજા
અમદાવાદમાં જાણે નબીરાઓ બેફામ બન્યા હોય એમ લાગી રહ્યુ છે. અમદાવાદ સમેત આખા ગુજરાતમાં અવારનવાર અકસ્માતો સામે આવે છે. ત્યારે હાલમાં વસ્ત્રાપુરમાં આવેલ હિમાલયા મોલ પાસે ગત રાત્રે એટલે કે સોમવારે એક નબીરાએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી.
નશામાં ધૂત 24 વર્ષીય હરેશ ઉર્ફે આકાશ ઠાકોરે અકસ્માત સર્જ્યા બાદ છરી બતાવી લોકોને ડરાવ્યા. પોલીસે નબીરાની અટકાયત કરી તેની થાર જપ્ત કરી લીધી છે.પ્રાપ્ત જાણકારી અનુસાર, અમદાવાદના ડ્રાઈવ ઈન રોડ પરના હિમાલયા મોલ પાસેથી 24 માર્ચે સોમવારે રાતે 9.45 વાગ્યે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં થાર લઈને નીકળેલ યુવકે પહેલા 4થી5 વાહનને અડફેટે લીધાં.
પછી કાર રોકાઈ જતાં લોકોનું ટોળું ભેગું થઇ જવાને કારણે તે છરો લઈને કારમાંથી બહાર નીકળતાં રોષે ભરાયો હતો. જો કે આ દરમિયાન લોકોએ તેની ધોલાઈ કરી હતી. પરંતુ તેમ છતાં તે રોડ પરથી મોટો પથ્થર ઉપાડી લોકોને મારવા દોડ્યો. આખરે પોલીસ આવી જતાં તેને પકડી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. નબીરાએ સર્જેલા અકસ્માતને કારણે તેમજ હુમલાને કારણે 8 જેટલા લોકોને સામાન્ય ઈજા થઈ હતી.
અકસ્માત પછી રોડ પર લોકોની ભીડ એકઠી થવાને કારણે કાર ચાલકે ગાડીમાંથી તીક્ષ્ણ હથિયાર કાઢી લોકોને ડરાવ્યા હતા. જો કે ટોળામાં રહેલા લોકોએ ટપલીદાવ કર્યો હતો અને નબીરાને ભાનમાં લાવી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાર ચાલકે પોલીસની સામે લોકોને પથ્થર બતાવ્યો હતો.