અમદાવાદમાંથી ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. 19 એપ્રિલે સવારે 10.24 વાગ્યા આસપાસ બેફામ AMTS બસના ડ્રાઈવરે ભુલાભાઈ ચાર રસ્તા પાસે એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો અને તેને કારણે રોડ પર પટકાયા બાદ બસનું પાછળનું ટાયર માથા પરથી ફરી વળ્યું. આ અકસ્માતને પગલે એક્ટિવા ચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જો કે, અકસ્માત બાદ AMTSનો ડ્રાઈવર પૂરપાટ ઝડપે બસ ભગાવી નાસી છૂટ્યો હતો.
પ્રાપ્ત જાણકારી અનુસાર, વટવામાં આવેલા વ્રજભુમિમાં પરિવાર સાથે રહેલા 52 વર્ષીય નવીનભાઇ પટેલ બહેરામપુરા ખાતે શ્રીવિષ્ણુ શો મીલ નામથી લાકડાનો વેપાર કરે છે. જ્યારે તેઓ 19 એપ્રિલે ટુ વ્હીલર લઇને ભુલાભાઇ ચાર રસ્તા ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી AMTS બસના ચાલકે નવીનભાઈના ટુ વ્હીલરને ટક્કર મારી અને આ ટક્કર બાદ તેઓ ફંગોળાઈને રોડ પર પટકાયા. જો કે ટક્કર બાદ નવીનભાઇ AMTS બસ નીચે આવી જતાં તેમના પરથી બસનું પાછળનું ટાયર ફરી વળ્યું અને તેમનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું.
અકસ્માત કરી બેફામ બસ ચાલક પૂરપાટ ઝડપે બસ હંકારી નાસી છૂટ્યો હતો. ઘટનાને પગલે પોલીસે AMTSના બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદના મણિનગરના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે બનેલ આ અકસ્માતની ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે અકસ્માત સર્જનાર બસની એજન્સી અર્હમ ટ્રાવેલ્સ છે, જેના માલિક મણિનગરના પૂર્વ કોર્પોરેટર આનંદ ડાગા છે.
આનંદ ડાગાના પત્ની શિતલ ડાગા હાલ એએમસીમાં ભાજપના દંડકના પદે છે. રીપોર્ટ અનુસાર, એવું સામે આવ્યુ છે કે સમગ્ર અકસ્માતમાં એએમટીએસ દ્વારા એજન્સીને ફક્ત 2 લાખનો દંડ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે એએમસી વિપક્ષની અત્યંત આકરી પ્રતિક્રીયા સામે આવી છે. આ વિશે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે કહ્યું- લોકોના જીવને એએમટીએસ શાસકોએ મજાક બનાવી દીધી છે. દાખલો બેસે એવી કાર્યવાહી કરવી જોઇએ. કંપનીને બ્લેકલીસ્ટ કરવાની માંગ કરીએ છીએ.
AMTSની ટક્કરે યુવાનનું કરુણ મોત, ભૂલાભાઇ પાર્ક ચાર રસ્તા પાસે રૂંવાડા ઉભા કરી દેતી અકસ્માતની ઘટનાના CCTV #Gujarat #Ahmedabad #Viral #ViralVideo #Trending #TrendingNow pic.twitter.com/UYNKw9TA4D
— Zee 24 Kalak (@Zee24Kalak) April 23, 2024