‘ઇન્વેસ્ટીગેશનમાં હજુ સુધી કોઇ એવી ચીજ…’, તથ્ય પટેલના કેસમાં સરકારી વકીલ સાહેબે સૌથી મોટો ખુલાસો કર્યો, જાણો 

AHD  ISKCON Bridge Accident Case : અમદાવાદમાં 19 તારીખે મધરાતે એટલે કે બુધવારે ઇસ્કોન બ્રિજ પર પહેલા ડમ્પરની પાછળ થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો અને આ અકસ્માતને જોવા અને મદદ માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. આ અકસ્માતની જાણ થતા પોલીસ પણ તપાસ માટે બ્રિજ પર પહોંચી હતી અને આ દરમિયાન જ પૂરપાટ ઝડપે આવી રહેલી લક્ઝ્યૂરિયસ જેગુઆર કારે અકસ્માત જોવા ઉભેલા ટોળા પર કાર ચઢાવી તેમને અડફેટે લીધા. અત્યાર સુધી એવું કહેવાઇ રહ્યુ છે કે કારની સ્પીડ 160 કે તેથી વધુ હતી. ત્યારે આ દર્દનાક ઘટનામાં 2 પોલિસકર્મી અને 1 હોમગાર્ડ જવાન સહિત અત્યાર સુધી 10 લોકોના મોતની ખબર સામે આવી છે.

તથ્યના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
આ ઉપરાંત બીજા કેટલાક લોકોને ઈજા પણ પહોંચી છે. આ અકસ્માતનો આરોપી અને જેગુઆર કાર ચાલક ગોતા વિસ્તારમાં કુખ્યાત ઇમેજ ધરાવતા અને ગેંગરેપ કેસના આરોપી પ્રજ્ઞશ પટેલનો દીકરો તથ્ય પટેલ હોવાનું સામે આવ્યુ હતુ. જો કે, તથ્યને પણ આ અકસ્માતને પગલે થોડી ઇજા પહોંચી હતી અને તેની સિમ્સમાં સારવાર બાદ પોલિસે તેની અને તેના પિતાની ધરપકડ કરી હતી. ત્યારે તથ્ય અને પ્રજ્ઞેશ પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જ્યાં તથ્યના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અને પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો.

આરોપી માથું દુ:ખે છે, ચક્કર આવે છે, શરીર સારૂ રહેતુ નથી એવા બહાના કરી રહ્યો છે
ત્યારે હવે આ મામલે સરકારી વકીલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, આરોપીને માથું દુ:ખે છે ચક્કર આવે છે શરીર સારૂ રહેતુ નથી એવા બહાના તેણે દર્શાવ્યા. આરોપી કાર લઈ કઈ રેસ્ટોરન્ટ કે કાફેમાં ગયો હતો હજુ તેની તપાસ બાકી છે અને તે કારણે 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પણ કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કાર કેટલી હાઈ સ્પીડ પર ચાલતી હતી અને ખરેખર કેટલી સ્પીડ હતી તેની પૂછપરછ કરવાની છે.

આરોપીએ આલ્કોહોલ કે ડ્રગ્સ લીધુ હતું કે કેમ
આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યુ કે આરોપી ઘરેથી કેટલા વાગ્યા નીકળ્યા અને અકસ્માત પહેલા કોની સાથે વાતચીત થઈ તે પણ હજુ તપાસ બાકી છે અને તેણે બીજો કોઈપણ પ્રકારનો ગુનો કર્યો હોય તો તે ગુનાની તપાસ કરવાની બાકી છે. જેગુઆર જેના નામે છે તેણે આ આરોપીને કેટલા વાગ્યે આપી અને તે ગાડી ક્યાં ક્યા લઈ ગયા તેમજ આરોપીએ આલ્કોહોલ કે ડ્રગ્સ લીધુ હતું કે કેમ તેની પણ તપાસ બાકી છે. આ ઉપરાંત તેમણે છેલ્લે એવું પણ કહ્યુ કે, ઇન્વેસ્ટીગેશનમાં હજુ સુધી કોઇ એવી ચીજ આવી નથી કે આરોપીને પોલીસે ઉઠક બેઠક કરાવી હોય.

Shah Jina