કરોડોની માલકિન ચાર દીકરાઓના હોવા છત્તાં પણ વૃદ્ધાશ્રમમાં વીતાવી રહી છે જીવન, 87 વર્ષની ઉંમરે ઠોકરો ખાવા મજબૂર

4-4 દીકરાઓ, કરોડોની સંપત્તિ, તો પણ વૃદ્ધાશ્રમ…રડાવી દેશે આગ્રાની 87 વર્ષિય માતાની કહાની

દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમના બાળકો અભ્યાસ કરીને આગળ વધે અને વૃદ્ધાવસ્થામાં તેમની સારી સંભાળ રાખે. ઘણા બાળકો તેમના માતા-પિતાની સંભાળ લેવાને તેમની પ્રથમ જવાબદારી માને પણ છે. પરંતુ આ દરમિયાન વૃદ્ધ માતા-પિતાની લાચારીની કેટલીક એવી કહાની પણ આપણી સામે આવે છે જે આત્માને હચમચાવી દે છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના આગ્રાથી સામે આવ્યો છે. એક સમયે અબજોપતિ પરિવારની વહુ આજે 87 વર્ષની વયે વૃદ્ધાશ્રમમાં પોતાનું વૃદ્ધાવસ્થા વિતાવી રહી છે.

આશ્ચર્યની વાત એ છે કે મહિલાને ચાર પુત્રો છે, જેમની પાસે કરોડોની સંપત્તિ છે. તેમ છતાં આ માતા ઘણા મહિનાઓ સુધી ઘરે-ઘરે ઠોકર ખાતી હતી. મહિલાનું કહેવું છે કે તેના પુત્રો અને પુત્રવધૂઓ તેને પોતાની સાથે રાખવા માંગતા નથી. વિદ્યા દેવી નામની આ વૃદ્ધ મહિલા આગ્રાની પ્રખ્યાત આંખની હોસ્પિટલના સંસ્થાપક ગોપીચંદ અગ્રવાલની પત્ની છે. વિદ્યા દેવીના પતિ ગોપીચંદની ગણતરી શહેરના અબજોપતિઓમાં થતી હતી. વિદ્યા દેવી પોતાના ચાર પુત્રો સાથે આલીશાન કોઠીમાં રહેતી હતી.

તેમણે તેમના ચાર પુત્રોના ઉછેરમાં કોઈ કસર છોડી ન હતી. તેમને તેમના પગ પર ઉભા કર્યા અને તેમના લગ્ન પણ કરાવ્યા. વિદ્યા દેવી માટે તેમના પતિની વિદાય સૌથી મોટો અભિશાપ સાબિત થયો. 13 વર્ષ પહેલા તેમના પતિ ગોપીચંદના અવસાન બાદ પુત્રોએ મિલકતની વહેંચણી કરી દીધી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પુત્રોએ તમામ સંપત્તિ એકબીજામાં વહેંચી દીધી પરંતુ તેમની વૃદ્ધ માતા માટે તેમના ઘર અથવા તેમના હૃદયમાં કોઈ જગ્યા છોડી નહિ.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોટા પુત્રએ વિદ્યા દેવીને થોડા દિવસો સુધી પોતાની સાથે રાખ્યા, પણ બાદમાં પુત્રવધૂએ તેમને એટલા ટોણા મારવાનું શરૂ કર્યું કે તે તેના બીજા પુત્ર સાથે રહેવા ચાલી ગઈ. આ ક્રમ ચાલુ રહ્યો અને વિદ્યા દેવીએ એક પછી એક તેના તમામ પુત્રોના રંગ જોયા. વિદ્યા દેવી કહે છે કે તેમના પુત્રો સાથે રહેતી વખતે કોઈએ તેમને કહ્યું કે કપડામાંથી દુર્ગંધ આવે છે તો કોઈએ તેમને યમુનામાં ફેંકી દેવાનું કહ્યું.

આ વાત સાંભળીને પણ વિદ્યા દેવી ઘરની બહાર નીકળી ન હતી ત્યારે હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તેમના પુત્રએ વૃદ્ધ માતાને માર મારીને ઘરની બહાર ધકેલી દીધા. અગ્રવાલ મહિલા મંચના પ્રમુખ શશિ ગોયલે વિદ્યા દેવીના પુત્રોને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પુત્રો રાજી ન થયા, ત્યારબાદ શશિ ગોયલ 19 ડિસેમ્બરે વિદ્યા દેવીને પોતાની સાથે રામલાલ વૃદ્ધાશ્રમ લઈ આવ્યા. હવે વિદ્યા દેવી વૃદ્ધાશ્રમમાં રહે છે. આશ્રમના સંચાલકે જણાવ્યું કે આશ્રમમાં વૃદ્ધ વિદ્યા દેવીની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે.

Shah Jina