મોંઘવારીનો વધુ એક ફટકો : અદાણીએ CNGના ભાવમાં બીજીવાર કર્યો વધારો, બે જ દિવસમાં અધધધધનો વધારો

છેલ્લા ઘણા સમયથી મોંઘવારી ઘણી વધી રહી છે. ખાણી-પીણીની ચીજવસ્તુઓ, દૂધ, શાકભાજી અને પેટ્રોલ-ડિઝલ સહિત CNGના ભાવ પણ વધી રહ્યા છે. ત્યારે CNG ગેસની કિંમતોમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો હોવાને કારણે વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય વર્ગના લોકો માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે હાલમાં જ અદાણી ગ્રુપ દ્વારા 2 ઓગસ્ટના રોજ CNGમાં 1.99 રૂપિયાનો વધારો કરાયો હતો અને ત્યારે ફરી એકવાર બે જ દિવસમાં CNG ગેસમાં પ્રતિ કિલોએ 1.49 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

CNGમાં આ વધારા સાથેના નવા ભાવ આજથી જ લાગુ થશે. છેલ્લા બે જ દિવસમાં અદાણીએ 3.48 રૂપિયા CNGમાં વધાર્યા છે. અદાણી CNGનો ભાવ નવા ભાવવધારા સાથે પ્રતિકિલોએ રૂપિયા 87.38 પર પહોંચી ગયો છે. CNGનો ભાવ 83.90 હતો તે વધીને 2 ઓગસ્ટે 85.89 રૂપિયા થયો હતો. ત્યારે આજે હવે 1.49 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આગળ વાત કરીએ તો, મુંબઈ શહેર ગેસ વિતરક મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ CNGના ભાવમાં ગઈકાલના રોજ પ્રતિ કિલોએ રૂ.6નો વધારો કર્યો હતો અને આ સાથે જ PNGની કિંમતમાં તાત્કાલિક અસરથી યુનિટ દીઠ 4 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

એક મહિનામાં ભાવમાં આ બીજો વધારો છે. ઉલ્લેખનીય છે કે, કુદરતી ગેસના ભાવમાં વધારો થતાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે ભાવમાં વધારો થયો છે. જણાવી દઇએ કે, હાલ તો CNGના ભાવ વધારાને કારણે તેની અસર અન્ય ચીજવસ્તુઓ પર પણ જલ્દી દેખાય તેવી શક્યતા સેવાઇ રહી છે. શાકભાજીના ભાવો પણ વધી રહ્યા છે. મોંઘવારીએ તો સામાન્ય માણસની કમર પણ તોડી નાખી છે. પાંચ રાજ્યોની ચૂંટણી પછી સામાન્ય જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવમાં વધારો થયો છે.

Shah Jina