ફુલ ટાઇમ એક્ટિંગ-પાર્ટ ટાઇમ ચોરી : અમીર મિત્રના ઘરેથી સાઉથની આ એક્ટ્રેસે કરી 1 કિલો સોનાની ચોરી
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ અને કન્ટેન્ટ ક્રિએટર સૌમ્યા શેટ્ટીને લઇને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સૌમ્યા શેટ્ટીની ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌમ્યાએ તેની એક મિત્રના ઘરેથી એક કિલોથી વધુ સોનું ચોરી કર્યુ છે. આ પછી પોલીસે સૌમ્યા શેટ્ટી વિરુદ્ધ એફઆઈઆર નોંધી તેની ધરપકડ કરી.
સૌમ્યા શેટ્ટી પર ભારતીય ટપાલ વિભાગના નિવૃત્ત કર્મચારીના ઘરમાંથી કથિત રીતે સોનાની ચોરીનો આરોપ છે. તેણે તેના જ મિત્રના ઘરે ચોરીને અંજામ આપ્યો છે. જો કે, પોલીસે સમયસર આરોપીને પકડી એફઆઈઆર નોંધી અને ધરપકડ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રસાદ બાબુએ પોલીસમાં જે ફરિયાદ નોંધાવી હતી તેમાં દાવો કર્યો હતો કે તેના ઘરમાંથી સોનાની ઘણી કિંમતી વસ્તુઓ ગુમ થઈ છે.
આની પાછળ અભિનેત્રીનો હાથ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રીપોર્ટ્સ અનુસાર, સૌમ્યા શેટ્ટીએ પ્રસાદની પુત્રી સાથે મિત્રતા કરી અને પછી તેના મોંઘા દાગીના અને વૈભવી જીવનશૈલી જોઈને અવારનવાર ઘરે આવતી. એક દિવસ સૌમ્યા શેટ્ટીએ પ્રસાદના ઘરના ટોયલેટનો ઉપયોગ પણ કર્યો હતો. બાદમાં, એક દિવસ જ્યારે પરિવારના સભ્યો લગ્નમાં હાજરી આપવા માટે તૈયાર થઈ રહ્યા હતા, ત્યારે તેઓએ તેમના દાગીના જોયા તો હતા જ નહિ.
લગભગ એક કિલો સોનાના દાગીનાની લૂંટ બાદ સૌમ્યા શેટ્ટી ગોવા માટે રવાના થઈ ગઈ હતી અને બીચ પર વૈભવી જીવન જીવી રહી હતી. જો કે, માહિતી મળતાં જ વિશાખાપટ્ટનમ પોલીસે તેને પકડી લીધી હતી. જણાવી દઈએ કે સૌમ્યા શેટ્ટીએ તેલુગુ ઈન્ડસ્ટ્રીની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે.