હજુ તો સાળંગપુરમાં ભીંતચિત્રોની આગ ઠરી નહોતી ત્યાં જ વધુ એક સ્વામીએ બળતામાં ઘી હોમ્યું, કહ્યું, “હવે હિન્દૂ દેવી દેવતાઓ સાથે કોઈ લેવાદેવા નથી…”

Acharya Dinesh Prasad of Rajkot Video : ગુજરાતમાં છેલ્લા થોડા દિવસ પહેલા જ સંળંગપુર મંદિરમાં લાગેલ વિશાળ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના નીચે લાગેલા ભીંતચિત્રોને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. વિવાદ બાદ સમગ્ર ગુજરાતના સાધુ સંતો અને સનાતન ધર્મના લોકોમાં ભારે ગુસ્સો પણ જોવા મળ્યો. ત્યારે આ મામલે આખરે સરકારે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. જેના બાદ આ વિવાદિત ભીંતચિત્રોને ઉતારી લેવામાં આવ્યા અને ત્યારબાદ આ વિવાદ શાંત થવાનો જ હતો ત્યાં વધુ એક સ્વામીએ પોતાના વાણી વિલાસ દ્વારા બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.

આચાર્ય દિનેશ પ્રસાદનો વીડિયો :

હાલ સોશિયલ મીડિયામાં રાજકોટના સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં તેઓ હિન્દૂ દેવી દેવતાઓ વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરતા જોવા મળી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, “દેવી-દેવતા કાઢવાના છે, ભગવાનની આજ્ઞા છે, આ જે કંઈ થાય છે તે ભગવાનની લીલા સમજીને ચાલો.”

ભગવાન સ્વામિનારાયણ સનાતનીઓથી કુરાજી :

વીડિયોમાં તેમને આગળ એમ પણ કહ્યું કે, “ભગવાન સ્વામિનારાયણ હવે સનાતનીઓથી કૂરાજી થઈ ગયા છે અને આપણે હવે કોઈ દેવી-દેવતા સાથે કોઈ સંબંધ રાખવાનો નથી. સ્વામિનારાયણ ભગવાન આપડો આખો ધર્મ અલગ કરી રહ્યા છે. હિન્દુ ધર્મના એવા લોકો કે જેઓ દેવી-દેવતાને માનતા નથી, તેઓએ સ્વામિનારાયણ ભગવાન સ્વીકારશે. મારા ભગવાન અંતર્યામી છે, કોઈ સનાતનીએ આવવાની કોઈ જરૂર નથી. સનાતન ધર્મ પાડતા લોકોએ મારી બાજુ ફરકવું નહીં.”

અન્ય હિન્દૂ સંપ્રદાયો બંધ થવાના છે ! :

આ ઉપરાંત તેમને એમ પણ કહયું કે, “હિન્દુ દેવી-દેવતાને ન માનનારા લોકોને સ્વામિનારાયણ ભગવાન સ્વિકારશે. ભગવાનની આજ્ઞા સિવાયના સંપ્રદાયો હવે બંધ થવાના છે અને આપણે મંદિરોમાંથી અન્ય દેવી-દેવતાઓને કાઢવાના છે.” ત્યારે આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયોને લઈને હવે લોકોનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચી ગયો છે.  ત્યારે હવે આ આચાર્ય દિનેશ પ્રસાદના આ વીડિયોને લઈને વિવાદ વકરે એવું લાગી રહ્યું છે.

Niraj Patel