Car Hit A Young Man Near Dabhoi : ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલાક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે હાલમાં વડોદરાના ડભોઇના અકોટી ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો. પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલી કારે એક બાઈક ચાલકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. જ્યારે કારમાં સવાર પરિવારને પણ ઇજાઓ પહોંચી.
આ અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને પોલિસને જાણ કરાઇ હતી. ચાંદોદ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ડભોઇના નવાપુરા બિલવાડા શીખ મોહલ્લામાં રહેતો અને છૂટક ધંધો-મજૂરી કરતો 18 વર્ષિય વિજય વહેલી સવારે ધરેથી ફણગાવેલા મગ વેચવા માટે ચાંદોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના એક પછી એક ગામમાં ફરીને અકોટી ગામે ગયો હતો.
અકોટી ગામમાં વેચાણ કર્યા પછી તે ગામના મુખ્ય માર્ગ પર આવ્યો અને આ દરમિયાન તે નજીકના મકાનમાં ફણગાવેલા મગ આપી ગ્રાહક પાસેથી પૈસા લઈ રહ્યો હતો. આ સમયે જ એક પૂરપાટ પસાર થઇ રહેલી કારે તેને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર પરિવારને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. કારચાલક એટલી તેજ કાર ચલાવી રહ્યો હતો કે મોટર સાઇકલ ચાલકને અડફેટે લીધા પછી કાર પલટી ખાઇ ગઇ હતી.
ઘટના બાદ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને કારમાં ફસાયેલા કાર ચાલક સહિત પરિવારને બહાર કાઢી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. બીજી બાજુ કારની અડફેટે મોતને ભેટેલા વિજયના પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને 18 વર્ષના દીકરાના મોત બાદ ભારે આક્રંદ છવાઇ ગયુ હતુ.